અમદાવાદ, તા.૨૧
રાજ્યના ગૃહ અને કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટોને પડતી હાડમારીઓના નિવારણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે રાજ્ય સરકાર હસ્તકની ચેરીટી તંત્રની કમિશનર કચેરી દ્વારા કરાતી કામગીરીને ટેકનોલોજીના માધ્યમ સાથે જોડીને ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે. આજે ગાંધીનગર ખાતે ચેરીટી તંત્રની વેબસાઇટનું લોકાર્પણ કરતા તેમણે રાજ્યમાં નોંધાયેલા ૩,૪૫,૦૦૦ ટ્રસ્ટ અને સોસાયટીઓના વહીવટની પારદર્શક્તા, ટ્રસ્ટી મંડળને પડતી હાડમારીઓના નિવારણ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ વેબસાઇટ અત્યંત મહત્વની બની રહેશે. જેનાથી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓને પડતી હાડમારી, ધક્કાઓ અને મુશ્કેલીઓમાં રાહત થશે. તેઓએ ઉમેર્યુ કે, આ વેબસાઇટ દ્વારા જાહેર ટ્રસ્ટોની નોંધણી ઓનલાઇન કરી શકાશે. ઘેર બેઠા કોઇપણ ટ્રસ્ટની માહિતી અને હુકમોની જાણકારી નાગરિકો મેળવી શકશે, ઉપરાંત કોઇપણ ટ્રસ્ટનો વહીવટી ફાળો જે ટપાલથી કે રૂબરૂ આવીને ભરવો પડતો હતો તે ઓન લાઇન પેમેન્ટ કરી શકાશે. સાથે સાથે ટ્રસ્ટના વહીવટમાં હોદેદારોના ચેઇન્જ રિપોર્ટ પણ હવે ઓનલાઇન સિસ્ટમથી કરી શકાશે. વેબસાઇટ પર રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટોની જિલ્લા વાઇઝ ડીરેક્ટરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી નાગરિકોને સરળતાથી માહિતી પ્રાપ્ત થાય.