(એજન્સી) તા.૧૮
આસામમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકત્વ વિધેયકના મામલે રાજકીય ચરુ ઉકળી રહ્યો છે. નાગરિકત્વ (સુધારા) વિધેયક ૨૦૧૬નો આસામના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રફુલકુમાર મહંત પણ અગ્રીમ મોરચે વિરોધ કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ ભારતીય રાજ્યના સૌથી યુવાન મુખ્યપ્રધાન હતા. ધ વાયર સાથેની મુલાકાતમાં પ્રફુલકુમાર મહંતે આસામની સાંપ્રત સ્થિતિ અંગે વિશદ છણાવટ કરી છે. આ વિધેયક સામે વિરોધનું નેતૃત્વ સંભાળી રહેલ આસામ આંદોલન સંગ્રામી મંચના પોતે શા માટે મુખ્ય સલાહકાર બની રહેવાનું પસંદ કર્યું તેની પણ વાત તેણે આ મુલાકાતમાં કરી છે. જો કે તેમણે એવું પણ જણાવ્યું છે કે તેમનો પક્ષ આસામ ગણ પરિષદ રાજ્યમાં હાલ ભાજપ શાસિત સરકાર અને કેન્દ્રમાં એનડીએ સરકારના ભાગીદાર તરીકે છે. ૧૧ જૂનના રોજ મહંતે આસામ ગણપરિષદના પ્રમુખ અતુલ વોરા અને પક્ષના નેતા કેશવ મહંત સાથે રાજ્યના રાજ્યપાલ જગદીશ મુખીને મળ્યા હતા અને સૂચિત સુધારા અંગે પોતાના પક્ષનું વલણ ધરાવતું આવેદનપત્ર સુપરત કર્યુ હતું. નાગરિકત્વ વિધેયક અંગે પોતાના પક્ષનું વલણ સ્પષ્ટ કરતા પ્રફુલકુમાર મહંતે જણાવ્યું હતું કે અમે વિધેયકને સંપૂર્ણપણેે ફગાવી દીધું છે કારણ કે તે આસામ સમજૂતીની કલમ ૫(૮)નો ભંગ કરે છે. તેમણેે જણાવ્યું હતું કે આસામ સમજૂતી માટે જ્યારે ૮૫૫ લોકોએ પોતાની જાન ન્યોચ્છાવર કરી હોય ત્યારે એજીપી કઇ રીતે આ વિધેયકને સમર્થન આપી શકે ? એજીપીનો જન્મ જ આસામ સમજૂતીમાંથી થયો હતો. અમારા પક્ષના પ્રમુખે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો નાગરિકત્વ વિધેયક મંજૂર કરવામાં આવશે તો અમે ભાજપ સાથેના અમારા ગઠબંધનથી છેડો ફાડી નાખીશું. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં શું એજીપી એકલા હાથે ચૂંટણી લડશે કે કેમ ? એવા પ્રશ્ના ઉત્તરમાં પ્રફુલકુમાર મહંતે જણાવ્યું હતું કે પક્ષમાં આ બાબતે હજુ સુધી કોઇ ચર્ચા થઇ નથી. કોંગ્રેસ સાથે જવાના મામલે પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે જોડાણ શક્ય નથી કારણ કે કોંગ્રેસ અમારા પક્ષના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. મેં જેમ કહ્યું તેમ એજીપીનો જન્મ આસામ સમજૂતીમાંથી થયો હતો જેનો હેતુ રાજ્યમાં કોંગ્રેસના શાસનને બ્રેક મારવાનો હતો.
નાગરિકતા સુધારા બિલ અંગે શિવસેનાએ એજીપીને ટેકો જાહેર કર્યો
(એજન્સી) તા.૧૮
શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો હવે લગભગ તમામ જગ્યાએ વણસતા દેખાઇ રહ્યા છે. તાજેતરમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આગામી ર૦૧૯ની લોકસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી હતી અને તેમણે ભાજપના ગઠબંધનમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. જોકે હવે ફરીવાર બીજા મુદ્દે ભાજપ શિવસેના ફરી સામસામે આવી જવાના છે. હવે ભાજપના જ સહયોગી એવા આસામ ગણ પરિષદ(એજીપી) પાર્ટીને શિવસેનાએ નાગરિકતા(સુધારા) બિલ, ર૦૧૬ અંગે ટેકો આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે એજીપી તો ભાજપની સહયોગી જ પાર્ટી છે પરંતુ હાલ તે આ બિલનો વિરોધ કરી રહી છે. જેના કારણે શિવસેનાએ પણ હવે તેને ટેકો આપવાની જાહેરાત કરી છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ એજીપીના નેતાઓએ ટેકો આપવાનું આશ્વાસન આપ્યું હતુંં. તેમણે ક્ષેત્રીય મુદ્દાઓ પર સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ઠાકરેએ એજીપીના નેતાઓ સાથેની બેઠકમાં મુંબઇ ખાતે શનિવારે સાંજે કહ્યું હતુંં કે તમે અહીં અમારી પાસે આસામની મહત્વપૂર્ણ સમસ્યા સાથે આવ્યા છો જે સ્થાનિક નાગરિકોની સમસ્યા છે. અમે દરેક સમયે સ્થાનિક નાગરિકોની સમસ્યા માટે જ કામ કર્યું છે. તમને આ મુદ્દે જે પણ પ્રકારના સમર્થનની જરુર પડશે તે સમયે શિવસેના તમારી સાથે જ ઊભી રહેશે. સંસદમાં અમારા જેટલા પણ સાંસદ છે તે તમારા માટે સંસદમાં વિરોધ નોંધાવશે. આ ફક્ત તમારી કે અમારી નહીં પરંતુ દેશના નાગરિકની સમસ્યા છે. તમારે ચિંતા કરવાની જરુર નથી. જોકે આ બંને પાર્ટીઓએ અનેક મુદ્દાઓ પર એકસાથે મળીને કામ કરવાની સંમતિ પણ આપી હતી. જોકે આ મુદ્દે પહેલીવાર ચર્ચા થઇ હતી. નોંધનીય છે કે આસામથી આવેલા એજીપીના પ્રતિનિધિમંડળમાં પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના કૃષિમંત્રી અતુલ બોરા, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કેશબ મહંતા, ફૂટ એન્ડ સિવિલ સપ્લાય મંત્રી ફાણી ભૂષણ ચૌધરી અને મહાસચિવ રમેન્દ્ર નારાયણ કલિતા, કમલા કલિતા અને બિરેન્દ્ર પ્રસાદ સામેલ હતા.