અમદાવાદ, તા.રપ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોઈ માધવસિંહ સોલંકી ખુશ થઈ ગયા હતા અને તેમણે રાહુલને જણાવ્યું હતું કે હવે હું તમને નવા જ રૂપમાં જોઈ રહ્યો છું પ્રજા હવે તમને એક ઘડાયેલા અને નિપૂણ રાજકારણી તરીકે જોવા લાગી છે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહે ગાંધીને એમ પણ કહ્યું હતું કે, હું જ નહીં હવે ગુજરાતની જનતાને પણ લાગી રહ્યું છે કે તમે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છો. હવે તમને ગુજરાતની જનતા એક ઘડાયેલા અને નિપૂણ રાજકારણીના રૂપમાં જોઈ રહી છે.
માધવસિંહ સોલંકીના પત્નીનું થોડા સમય અગાઉ નિધન થયું હતું. જેના સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે માધવસિંહ સોલંકીને મળવા ગયા હતા. આ સમયે માધવસિંહે રાહુલ ગાંધી સાથે પોતાના અને રાજીવ ગાંધી સાથેના જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે ૧૯૮પની વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૯ બેઠકો જીતીને એક રેકોર્ડ બનાવ્યો હતો. જો કે તે આજદિન સુધી અકબંધ રહ્યો છે. માધવસિંહ સોલંકીને ગુજરાતમાં ‘ખામ’ થિયરીના પ્રણેતા માનવામાં આવે છે. માધવસિંહ સોલંકી વર્તમાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા છે. આ પિતા-પુત્રની એક એવી જોડી છે કે બંને જણા ગુજરાત કોંગ્રેસના બે બે વખત પ્રમુખ બનવાની સિદ્ધિ ધરાવે છે.