(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટાયેલા અને તમામ વર્ગ અને જાતિના મતદારોએ જેમને વ્યક્તિ ઓળખને બાજુએ રાખી માત્રને માત્ર કોંગ્રેસના પંજા પર મહોર મારી જીત અપાવી હતી અને જીત્યા બાદ કોંગ્રેસનું દૂધ પી તગડા થયેલા ધારાસભ્યો નાણાં અને સત્તાની લાલચમાં અસ્તીનકા સાપ જેવા સાબિત થયા છે. તેઓએ પક્ષ સાથે તો દગો કર્યો જ છે સાથે સાથે જે મતદારોએ તેમની ઓળખાણને બાજુએ રાખી પંજાના નિશાન પર મત આપ્યા હતા. તેમની સાથે પણ દગો કર્યો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભાજપ-કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવાની વાતો કરે છે. પરંતુ મોટાભાગે જનાધાર કોંગ્રેસની સાથે જ રહ્યો છે. પરંતુ ભાજપે શામ, દામ દંડ અને ભેદની નીતિ અપનાવી કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોને ફોડવાના પ્રયાસો કર્યા છે. જે દિવસે દેશ અને ગુજરાતનો એક એક નાગરિક પોતાના મતથી ભાજપના ઉમેદવારોને જીતાડે અને કોંગ્રેસના ઉમેદવારો મત ન આપે (ઈવીએમથી નહીં) ત્યારે જનાધાર ભાજપની તરફેણમાં કહી શકાય.
ભાજપ હંમેશા સમાજના આગેવાનો અને વિરોધપક્ષના ધારાસભ્યો કે સાંસદોની દુઃખતી નસ પર હાથ મૂકી તેને દબાવે છે. ત્યારબાદ નાણાં અને સત્તાની લાલચમાં પોતાની તરફેણમાં ખેંચવા પ્રયાસ કરે છે અને જેઓ ઘૂંટણીએ ન પડે તેમના પર પોલીસ, ઈન્કમટેક્ષ, ઈડી, સીબીઆઈ વગેરે તપાસના નામે ભારે દબાણ ઊભું કરી ત્રાસ આપવામાં આવે છે. આ રીતે વિરોધી પક્ષના આગેવાનો અને ધારાસભ્યોને ભાજપમાં ભેળવી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યું છે પરંતુ વાસ્તવમાં તેઓ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી રહ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસના ચિહ્ન પર ગુજરાતની પ્રજાએ જનાધાર આપ્યો અને ધારાસભ્ય બનાવ્યા પરંતુ વ્યક્તિગત સ્વાર્થ ખાતર જેઓ ભાજપમાં જોડાયા છે. તેમની સામે સ્થાનિક પ્રજા પૂતળાબાળી રોષ વ્યક્ત કરી રહી છે. સિદ્ધપુરમાં પણ બળવંતસિંહ રાજપૂતનું પૂતળું બાળવામાં આવ્યું હતું. પાટીદાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેમણે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો છે. આથી વિજાપુરના ધારાસભ્ય પી.આઈ. પટેલ વિરુદ્ધ પ્રજાએ રોષ વ્યક્ત કરી પૂતળાદહન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદમાં પ્રદેશ સમિતિ ખાતે પણ પૂતળાદહન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં અતિવૃષ્ટિની ભયાનક સ્થિતિ ઉદ્ભવી છે અનેક માનવમોત અને પશુઓના મોત થયા છે અને હજીયે લાશો મળી રહી છે. જાન, માલ, મિલકત ખેતીને પારાવાર નુકસાન છતાં અસરગ્રસ્તોની પડખે રહેવાને બદલે આખી ભાજપ સરકાર હાલ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં વ્યસ્ત બની ગઈ છે.