પ્રજાના પ્રશ્નો મામલે અને મતદારોને આકર્ષવા અલ્પેશ ઠાકોર ઉ.ગુજરાતથી મહાયાત્રા શરૂ કરશે

અમદાવાદ, તા.ર૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાણથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે ત્યારે ભાજપને વધુ એક ઝટકો આપવા અને મતદારોને પોતાની તરફ આકર્ષવા ઓબીસી-એસસી/એસટી એકતા મંચના અલ્પેશ ઠાકોર ૪થી નવેમ્બરથી ઉત્તર ગુજરાતથી મહાયાત્રાની શરૂઆત કરશે. ૪ દિવસની આ યાત્રા બાદ અલ્પેશ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે. જેમાં દારૂબંધી, બેરોજગારી, ફિક્સ પગારના કર્મીઓ, મહિલાઓને લગતા પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.
ઓબીસી, એસસી/એસટી એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર કે જે ર૩ નવેમ્બરના રોજ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં સામેલ થઈ ગયો છે. તેઓ ૪ નવેમ્બરથી ઉત્તર ગુજરાતથી એક મહાયાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. આ યાત્રાને ગુજરાત એકતા સ્વાભિમાન યાત્રા નામ અપાયું છે. આ યાત્રા કોંગ્રેસની નવસર્જન થીમ પર આધારિત હશે. ઉત્તર ગુજરાતમાં ૪ દિવસ આ યાત્રા કર્યા બાદ અલ્પેશ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે. બીજેપી દ્વારા અલ્પેશને માત્ર ઠાકોર સમાજના આગેવાન તરીકે જાહેર કરવાની રણનીતિના જવાબમાં અલ્પેશ યાત્રામાં ગુજરાતીઓની એકતા પર ભાર આપશે. આ સિવાય છેલ્લા બે વર્ષથી તે જે મુદ્દાઓને લઈને આંદોલન ચલાવી રહ્યો હતો જેમ કે દારૂબંધી, બેરોજગારી, ફિક્સ પગારના કર્મીઓને પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓને લગતા પ્રશ્નો પર વધારે ભાર આપશે. આ સિવાય તે ઓબીસી, એસસી/એસટીના અધિકારો માટે પણ આ યાત્રા કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરની અત્યાર સુધીની રેલીઓ અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ત્યારે અલ્પેશના કોંગ્રેસમાં જોડાણ બાદ તેને મળી રહેલો પ્રતિસાદ ભાજપ માટે વિમાસણ ઊભી કરે તો નવાઈ નહીં !

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks