અમદાવાદ, તા. ૨૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પુરી થઇ હતી. જેમાં ૧ર૧પ ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચકાસણી થઇ રહી છે. ચકાસણી બાદ જ ઉમેદવારો પ્રથમ તબક્કામાં કેટલા મેદાનમાં રહ્યા તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે. આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાને આવરીલેતી ૮૯ સીટ ઉપર ૯મી ડિસેમ્બરે મતદાન થશે. ૨.૧ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ પ્રથમ તબક્કામાં કરશે. ભાજપના ૪૧ ઉમેદવારોએ વંદેમાતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે ઉમેદવારીપત્રો ભર્યા હતા. ફળદુએ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. જેતપુરની બેઠક માટે જયેશ રાદડિયાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. હિરાભાઈ સોલંકીએ રાજુલા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં નજર રાખવા માટે અને પેમેન્ટ સુધીમાં આઈટીનો ઉપયોગ કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી.