પાટણ પાસના કાર્યકરોએ પોલીસ હેડક્વાર્ટરમાં જ પ્રતિક ઉપવાસ કર્યા

(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા. ર૯
પાટણમાં હાર્દિક પટેલના સમર્થનમાં આજે પાટીદાર યુવાનો પ્રતિક ધરણા કરે તે પહેલાં જ સમગ્ર બગવાડા ચોકમાં પોલીસની ફૌજ ખડકી દેવામાં આવી હતી અને ધરણા પર બેસવા પાટીદારોનું ટોળુ આવતા જ તેમને ઘેરી લઈ બળપ્રયોગ કરી અટકાયત કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતરૂપે રોષે ભરાયેલા પાસનાં કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને પોલીસ તથા સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દેખાવો દરમ્યાન પોલીસે રપથી વધુ પાટીદાર યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જેઓને પોલીસ હેડ ક્વાટર્સમાં લાવવામાં આવતા કમ્પાઉન્ડમાં બેસી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. જેની જાણ અમદાવાદ હાર્દિક પટેલ સાથે રહેલા ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને થતા તેઓ પાટણ દોડી આવ્યા હતા અને સાંજના સમયે ઉપવાસ પર ઉતરેલા પાસના કાર્યકરોને પારણા કરાવ્યા હતા.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત તથા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. જેના સમર્થનમાં આજે પાટણના બગવાડા ચોકમાં પાસના કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા ઉપર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા સવારથી જ પોલીસની ફોજ ખડકી દેવામાં આવી હતી. ધરણા પર બેસવા પાટીદાર યુવાનોનું ટોળુ આવતાં જ પોલીસે બળ પ્રયોગ વાપરવાનું શરૂ કરી ધરણા પર બેસે તે પહેલાં અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને પાટીદારો વચ્ચે પકડદાવની રમત રમાતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ધરણાનો કાર્યક્રમ નિષ્ફળ બનાવી અટકાયતો કરવામાં આવતા રોષે ભરાયેલા પાસ અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની આ દમનકારી નીતિના વિરોધમાં હાઈવે ઉપર ચક્કાજામ કરતા વાહન-વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો. પોલીસે દોડી આવી ચક્કાજામ કરી રહેલા યુવાનોને બળજબરીપૂર્વક ટીંગા-ટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરાયેલા પાસ અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ હેડક્વાર્ટરમાં જ “સરકાર હમ સે ડરતી હૈ… પોલીસ સે કામ કરવાતી હૈ” જેવા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks