(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ પોતાનું એન્કાઉન્ટર થઈ જવાનો ભય વ્યક્ત કર્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને જે કોઈ તથ્ય હોય તે ગુજરાતની જનતા સમક્ષ બહાર લાવવું જોઈએ. એમ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ર૦૧૭ની ચૂંટણી બાદ ભાજપમાં જે કોઈ બનાવો બની રહ્યા છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ હોવાનો પુરાવો છે. પ્રવિણ તોગડિયાના ગંભીર આક્ષેપોની તપાસ થવી જોઈએ.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ પ્રવિણ તોગડિયાએ પોતે જ પોતાનું એન્કાઉન્ટર થવાની ભીતિ વ્યક્ત કરી છે. તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું. તોગડિયાની આ ઘટના સમજ બહારની છે. આથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ઉપરાંત તેમણે એવો આકડતરો ઈશારો પણ કર્યો હતો કે, દેશમાં હિંસાની રાજનીતિને કોઈ સ્થાન નથી એમ જણાવી તેમણે ‘નફરત કી રાજનીતિ નહીં હોની ચાહીએ, હિંસા કી રાજનીતિ નહીં હોની ચાહીએ’
હોસ્પિટલના ડૉક્ટર સાથે તોગડિયાના અંગત માણસ સંપર્કમાં જ હતા
પ્રવિણ તોગડિયા ગુમ થયા બાદ કોતરપુરથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હોવાના અહેવાલો બાદ તેઓને ૧૦૮માં ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારે આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, પ્રવિણ તોગડિયાને સારવાર અર્થે ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પહેલાથી જ હોસ્પિટલના ડૉક્ટર તોગડિયાના અંગત માણસોની સાથે સંપર્કમાં હતા. એટલે હોસ્પિટલના ડૉક્ટરનું પણ આ મામલે નિવેદન લેવાની તજવીજ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી છે.