અમદાવાદ, તા.૧૦
દુનિયામાં કોઈ પણ માણસ ખોટું બોલે ત્યારે તે સાંભળનાર સાથે નજર ન મેળવે જ્યારે મોદી એક જ એવી વ્યક્તિ છે, જે સાંભળનાર સાથે નજર મેળવી ખોટું બોલી શકે છે ! એમ રાષ્ટ્ર મંચના કાર્યક્રમમાં પૂર્વમંત્રી પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં કૃષ્ણને આશરો આપે અને કૃષ્ણ અહીંયા જન્મ્યા તો કૃષ્ણએ ખરાબ કરનારનો નાશ કર્યો હતો અને તેમના પોતાના કુટુંબીઓનો પણ નાશ કર્યો હતો તો આ તો ગુજરાત છે. જો ખોટું કરશે તો ગુજરાતીઓ જ નાશ કરશે.
રાષ્ટ્રમંચ દ્વારા મંગળવારે અમદાવાદમાં એક બિનરાજકીય કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજનમાં રાષ્ટ્રમંચના સહસંયોજક પ્રવિણસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી યશવંત સિંહા, ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા, સમાજવાદી પક્ષના પ્રવક્તા ઘનશ્યામ તિવારી, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પૂર્વ મંત્રી પ્રવિણસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાલમાં દેશની આર્થિક વ્યવસ્થા સહિતની સ્થિતિ મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ ઉપર યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાએ પ્રકાશ પાડ્યો હતો, તેમજ રાફેલ કૌભાંડ ઉપર પણ વિસ્તારપૂર્વક સમજણ અપાઈ હતી, ત્યારે રાષ્ટ્રમંચ દ્વારા આયોજિત બિનરાજકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેને પગલે હોલમાં બેસવાની જગ્યા ન મળતા લોકોએ નીચે બેસીને પણ કાર્યક્રમને માળ્યો હતો, ત્યારે કાર્યક્રમના આયોજન કરનારા પૂર્વમંત્રી પ્રવિણસિંહ જાડેજાએ પણ આ પ્રસંગે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કાર્યક્રમના આયોજકોને લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.