અમદાવાદ,તા.૪
ઘુમા ગામમાં રહેતી ૫૦ વર્ષીય મહિલાના. ૨૦ વર્ષથી પ્રેમસંબંધ હોઈ અને મહિલાના પુત્રનાં લગ્ન થઇ ગયાં હોવાથી પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા આધેડ પ્રેમીએ બીભત્સ ફોટો અને રેકોર્ડિંગ વાઈરલ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ઘુમા ગામમા રહેતી ૫૦ વર્ષીય મહિલાને ગામમાં જ રહેતા મહેન્દ્રભાઈ સાથે ૨૦ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એક બીજાને મળતાં અને ફોન પર વાતચીત કરતા હતા. જોકે બંને બાળકો અને પરિવારવાળા હોવાથી ફોટોનો દુરુપયોગ નહિ કરે તેવો વિશ્વાસ મહિલાએ રાખ્યો હતો. મહેન્દ્રભાઈ ફોન પર ત્યારે ફોનમાં રેકોર્ડિંગ પણ કરતા હતા. દરમ્યાનમાં બે મહિના અગાઉ મહિલાનાં પુત્રના લગ્ન થયા હતા. ઘરમાં વહુ આવી ગઈ હોવાથી ‘મારે પ્રેમ સંબંધ નથી રાખવો, વહુ અને દીકરાને ખબર પડે તો આબરૂ જાય’ તેમ કહી પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં મહેન્દ્રભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોનમાં રહેલા બીભત્સ ફોટો અને રેકોર્ડિંગ વાઈરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહેન્દ્રભાઇએ મહિલાનેે પૈસા આપેલા છે તેવું સાબિત કરવા મહિલા પાસેથી બે કોરા ચેક અને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સહી લઈ લીધી હતી. બે ચેક બેંકમાં ભરી ચેક બાઉન્સ પણ કરાવ્યા હતા. વારંવાર ધમકી અને ફોટો બતાવી દેતાં મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રભાઈની અટકાયત કરી છે.