(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.પ
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ભાલેજની પરિણીતાનાં ચકચારી હત્યાનાં બનાવમાં પોલીસે સાડા પાંચ માસની તપાસ અને લાય ડીટેકશન ટેસ્ટ બાદ આખરે હત્યાનાં આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાનાં કાલસર ગામનાં અહેમદખાન ખાનજાદાની દિકરી સરીફાબાનુનાં લગ્ન ભાલેજ ગામનાં આસીફમીંયા સફુરમીંયા મલેક સાથે સમાજનાં રીત રીવાજ અનુસાર થયા હતા અને લગ્નજીવન થકી સરીફાબાનું ત્રણ સંતાનોની માતા બની હતી. જેની ૧૨મી માર્ચ ૨૦૧૮નાં રોજ હત્યા થઈ હતી.
પોલીસે આ બનાવમાં સરીફાનાં પતિ આસીફ, સસરા સકુરખાન અને કથીત પ્રેમી સલમાન સહિત અનેક શકમંદોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં આસીફ હત્યાનાં સમયે વાસદ ટોલનાકા પર પોતાની ફરજ પર હોવાનું તેમજ સસરા પણ બજારમાં હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે અંતે સરીફાનાં કથીત પ્રેમી સલમાન અને સસરા સકુરખાનનું લાય ડીટેકશન ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાંથી મંજુરી મેળવી હતી અને ત્યારબાદ બન્નેનાં ગાંધીનગરની એફએસએલ લેબોરેટરીમાં આસીફ અને સલમાનના લાય ડીટેકશન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરીફાની હત્યા તેનાં કથીત પ્રેમી સલમાનખાન ઈલ્યાસમીંયા મલેકએ કરી હોવાનાં પુરતા પુરાવાઓ પોલીસને મળતા પોલીસે સરીફાની ચકચારી હત્યાનાં બનાવમાં સલમાનખાન ઈલ્યાસમિંયા મલેકની ધરપકડ કરી આજે મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ અંગે પીએસઆઈ આર એન ખાંટએ જણાવ્યું હતું કે સરીફા અને સલમાન વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો અને સલમાનનાં લગ્ન બાદ સરીફા સલમાનને સતત ટોર્ચર કરતી હતી. જેથી સલમાન કંટાળી ગયો હતો અને હત્યાનાં દિવસે પણ સરીફાએ સલમાનને સતત ૧૮ જેટલા કોલ કરી તેની સાથે સતત ઝઘડો કર્યો હતો અને સલમાનને મળવા બોલાવતા સલમાન સરીફાનાં ધરે મળવા ગયો હતો જ્યાં તેઓ વચ્ચે ફરી ઝઘડો થતા સલમાનએ સરીફાનું ગળુ દબાવીને હત્યા કરી હતી.