(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧ર
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જેમનામાં ઈન્દિરા ગાંધીની તસવીર જુએ છે તે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા બાદ પ્રથમવાર ગુજરાતમાં આવ્યા હતા. જ્યાં તેમણે અડાલજ ખાતે લોકસભાની પ્રથમ ચૂંટણી સભાને હૃદયસ્પર્શી સંબોધન કરી લોકોના દિલ જીતી લીધા હતા. પ્રવચનની શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, હું આજે ભાષણ આપવાની નથી પરંતુ આપની સમક્ષ મારા દિલની વાત કહું છું હું પ્રથમવાર ગુજરાત આવી છું. સાબરમતી આશ્રમમાં કે જ્યાંથી ગાંધીજીએ દેશને આગ્રહ કરવા લડાઈ શરૂ કરી હતી. તે આશ્રમના વૃક્ષ નીચે બેસી ભજન સાંભળતી હતી ત્યારે દિલમાં જે ભાવના ઉત્પન્ન થઈ તેનાથી મારી આંખમાં આંસુ આવવાના જ બાકી રહી ગયા હતા.
તેમણે ઉપસ્થિત લોકોને અને દેશવાસીઓને ઝંઝોળતા વધુમાં જણાવ્યું હતું કે, આ દેશ પ્રેમ, સદ્્ભાવના અને એકબીજાના પ્યારના આધારે બન્યો છે પરંતુ આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી દુઃખ થાય છે. દેશભક્તિથી મોટી કોઈ વસ્તુ નથી. દેશભક્તિ માટે જાગૃત બનો તમારી જાગૃતતા જ તમારું હથિયાર છે તેનાથી મોટી દેશભક્તિ કોઈ નથી. તમારો યોગ્ય વોટ એ જ તમારું હથિયાર છે. આ હથિયાર અન્યોને નુકસાન પહોંચાડ્યા વિના તમને અને દેશને મજબૂત બનાવશે.
તમે ઉંડાણપૂર્વક વિચારશો તો મારી વાત સમજી શકશો. ચૂંટણીમાં તમે તમારું ભવિષ્ય ચૂંટો છો. તેમાં ફાલતું મુદ્દાઓ ન હોવા જોઈએ. રોજગારી કંઈ રીતે મળે ? મહિલાઓને સુરક્ષા કઈ રીતે મળે ? ખેડૂતો માટે શું કરવું જોઈએ ! તે મુદ્દે વિચારવું જોઈએ. આગામી બે મહિના સુધી તમારી સામે વચનો આપવામાં આવશે. પરંતુ તમારે નક્કી કરવાનું છે અને તેઓને ઓળખવાના છે.
પ્રિયંકા ગાંધીએ સહજ લહેજામાં લોકોને જણાવ્યું હતું કે, તમે એ લોકોને સવાલ કરો કે ર કરોડ રોજગાર આપવાના વચનો આપ્યા હતા તેનું શું થયું ? ૧પ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું તે ક્યાં છે મહિલાઓની સુરક્ષાની વાત કોણે કરી હતી ? તમે જાગૃતતા દાખવશો તો જ દેશને ઉદ્ધાર થશે. જ્યાંથી દેશની આઝાદીની લડાઈ શરૂ થઈ, જ્યાંથી પ્રેમ, અહિંસા, સદ્ભાવનો અવાજ ઉઠ્યો તે ગાંધીજીની ધરતી પરથી તમારે પણ અવાજ ઉઠાવવો જોઈએ. તમારી સમક્ષ ફિતરતની વાત કરનારાઓને બતાવો કે દેશની ફિતરત શું છે ? નફરતની દવાઓને પ્રેમ અને કરૂણામાં બદલવા અવાજ ઉઠાવવો જોઈએ. આ કામ આઝાદીની લડાઈથી કમ નથી. આ કામ તમે કરી શકો છો. આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય લો. યોગ્ય મુદ્દા પસંંદ કરો કારણ કે દેશ તમારો છે. હાલ જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવવામાં આવી રહી છે. એનાથી દેશની રક્ષા કરવી જોઈએ.