અમદાવાદ,તા.૪
ગીરધારી જંગલ વિસ્તારમાં ગુજરાતનું ગૌરવ સમાન એશિયાટીક સિંહોના અકાળે થતાં મોતથી ચિંતિત થઈ કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી સિંહોનાં મોત માનવસર્જિત હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને જણાવ્યું છે કે ગીર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે. જેમાં વનવિભાગ ખુદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતા માંસાહાર વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન જેવા કરવામાં આવે છે. તેથી નજીકથી સિંહદર્શન થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે સિંહોને માનવસર્જિત દુર્ઘટનામાં ગુમાવવા પડે તે વ્યાજબી નથી. છેલ્લા એક માસમાં ર૩થી વધુ સિંહોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા સિંહોમાં વયસ્ક સિંહો પણ હતા. એટલે કે ઉંમરના લીધે મૃત્યુ થયા નથી. વનવિભાગ આવા સિંહોના મૃત્યુનું મનઘડત કારણ ઈન ફાઈટ બતાવીને મૂળ કારણને રફેદફે કરવા માંગતું હોય તેમ જણાય છે. સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. કેમ કે સિંહોને જુદા જુદા પ્રકારના વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, ક્રેનાઈન ડીસ્ટેમ્પર, ઈમ્યુનો ડીફેશચ્નીશ વગેરેથી સિંહ-સિંહણના શ્વાસનળી-ફેંફસા અને લીવરને નુકસાન થતું હોવા છતાં વન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવામાં આવ્યા નથી. સિંહોને ઉશ્કેરવામાં ન આવે તો કયારેય માનવજાત ઉપર હુમલો કરતા નથી. ગીર જંગલમાં નેસડામાં વસતા માલધારીઓ સિંહોના પ્રોત્સાહક અને પાલક હતા. તે માલધારીઓને અભ્યારણ્યની બહાર કરાયા છે તેના કારણે સિંહો ખોરાક-પાણીની શોધમાં જંગલ વિસ્તારની બહાર વિહાર કરતા થઈ ગયા છે. મૂળ ગીરમાં સિંહોની સંખ્યા કરતા ગીર બોર્ડરના બહારના રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધારે છે. જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે જેમાં વનવિભાગ ખુદ સામેલ છે. તેના માટે એક વ્યકિતઓના ગ્રુપ દીઠ પથી ૧૦ હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે. ભૂતકાળમાં સિંહોને રંજાડતા અને મુરઘી બતાવી પરેશાન કરતા વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગના સત્તાધિશો હરકતમાં આવ્યા હતા. સિંહોના અકુદરતી મૃત્યુ બાબતે વનવિભાગની બેદરકારી બાબતે તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને ગુજરાતના ગૌરવને બચાવી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા તેમણે અંતમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે.
સિંહોને થતી બીમારીના નિદાન માટે વનવિભાગ
પાસે આધુનિક લેબોરેટરી જ નથી
સિંહોનાં મૃત્યુ કુદરતી પ્રક્રિયા સિવાય ન થાય તે માટે લગભગ વર્ષ ર૦૦૭માં સિંહો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બીમારી આવે તો શું કરવું ? પરંતુ તેમ છતાં આજદીન સુધી સિંહોને ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા થાય, શરદી, ભૂખ ન લાગવી કે રોગ પ્રતિકારક શકિત ઘટી જવી વગેરે બીમારીઓ માટે વનવિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ લેબ હોવી જોઈએ તે નથી. પરિણામે સમયસર નિદાનો થતા નથી. યોગ્ય દેખરેખ રખાતી નથી અને તેના કારણે એકીસાથે મોટી સંખ્યામાં સિંહોનાં મૃત્યુ થયા છે.
રાજ્ય સરકારે સમયસર પગલાં ભર્યા હોત તો સિંહોના અકાળે મૃત્યુને બચાવી શકાત
વિશ્વમાં એશિયાઈ પ્રજાતિના સિંહોનું છેલ્લું વતન ગીર છે. તે વનવિભાગની બેદરકારીથી લુપ્ત થઈ જાય તેવી ભીતિ સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ગુજરાતીઓ સેવી રહ્યા છે કેમ કે હું બહુ જ ગંભીરતાપૂર્વક માનું છું કે રાજય સરકાર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા હોત અને વનવિભાગ દ્વારા સિંહોની પરિસ્થિતિના સમયસર રીવ્યુ લેવાયા હોત તો ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની ઓળખ સમા સિંહોના મોટી સંખ્યામાં એકી સાથે મૃત્યુના મુખમાં જતા બચાવી શકાયા હોત.