Ahmedabad

પુલવામા હુમલોઃ દેશભરમાં આક્રોશ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

ગાંધીનગર,તા.૧૫
કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાનોની શહિદીના પગલે દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષની લાગણી સર્જાઇ છે. વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાઓનું દહન કરીને પાકિસ્તાનથી બદલો લે તેવી માંગણી ધીમી ધીમે જોર પકડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતની સેનાને બદલાની મંજૂરી આપી હોવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષોએ પણ સંકટની આ ઘડીમાં રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને કેન્દ્ર સરકારને આતંકવાદ સામેની લડાઇમાં પૂરેપૂરો સાથ સહકાર આપવાની જાહેરાત કરીને જેમ અમેરિકામાં ૯/૧૧ના હુમલા વખતે સત્તાપક્ષ અને વિરોધ પક્ષો ખભેખભા મિલાવીને ઉભા રહ્યા હતા તેમ ભારતમાં પણ આ આતંકી હુમલાના પગલે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ આતંકવાદ સામે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા છે. જેને એક હકારાત્મક બાબત તરીકે અને રાજકીય પરિપકવતા સમાન માનવામાં આવી રહ્યું છે. હુમલાના સંદર્ભમાં ભારતની સેના દ્વારા પાકિસ્તાન સામે કોઇ વળતી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સંભાવના એટલા માટે જોવામાં આવી રહી છે કે જો એવું પગલું ન ભરે તો સરકારને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે. આ વળતી કાર્યવાહી શું હશે કેવી હશે તેની વિવિધ અટકળો ચાલી રહી છે. શક્ય છે કે કદાચ બીજી સર્જિકલ સ્ટ્રાઇક પણ તાકિદના ધોરણે થઇ શકે જેથી બદલો લેવાની માંગણી શાંત થઇ શકે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ હુમલાની કિંમત આતંકવાદીઓએ ચુકવવી પડશે. વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમે સૈનિકોને છૂટ્ટો દોર આપી દીધો છે.
તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણા સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ પાસે પહોંચાશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે.
હું આતંકી સંગઠનો અને તેમના વડાઓને કહેવા માગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. આ માટે તમારે મોટી કિંમત ચુકવવી પડશે. હું દેશને ભરોશો અપાવું છું કે હુમલા પાછળ જે પણ તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તેના કર્યાની સજા ચોક્કસ મળશે. જે અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છું. ટીકા કરવાનો તેમનો પૂરો અધિકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામાં થયેલા ફિદાયીન હુમલામાં શહીદ થયેલા ૩૭ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેના અને સરકારને કોંગ્રેસ અને વિપક્ષનો ટેકો હોવાનો જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સાથે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ મુદ્દે અમે કોઈ રાજકીય નિવેદન કરવા માગતા નથી. હુમલો દેશના આત્મા પર થયો છે. હું દુઃખી છું. અમે સેના અને સરકારને સંપૂર્ણ સહયોગ આપીશું.