નવી દિલ્હી, તા. ૧૮
પંજાબના ભાજપના પૂર્વ અધ્યક્ષ કમલ શર્માએ જણાવ્યંુ હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ સમક્ષ આરએસએસ નેતા રવિન્દર ગોસેનનો મુદ્દો ઉઠાવ્યો હતો. શર્માએ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, લુધિયાણામાં રવિન્દર ગોસેનની ઘાતકી હત્યાનો મામલો કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉઠાવ્યો હતો. શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે અગાઉ ચંદીગઢના ગૃહ મંત્રાલયને આ અંગે જાણ કરી હતી. તેમણે ઉમેર્યું કે, ફિરોેઝપુરની હુસૈનપુર સરહદની મુલાકાત દરમિયાન રાજનાથસિંહે અમરિન્દર સાથે વાત કરી હતી. રાજનાથસિંહે અમરિન્દરને આ બાબતમાં ઝડપી તપાસ કરાવવા જણાવ્યું હતંુ તેમ શર્માએ પોતાના દાવામાં જણાવ્યંુ હતું.
પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે કૈલાશનગર વિસ્તારમાં આરએસએસ નેતાની બે અજાણ્યા મોટરસાઇકલ સવારો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ૬૦ વર્ષનો ગોસેન સવારે શાખામાંથી પરત ફરતો હતો ત્યારે અજાણ્યા હુમલોખોરો દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી. ગોસેન સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો અને હુમલોખોરો ફરાર થઇ ગયા હતા. હુસૈનપુરમાં ભારત-પાકિસ્તાનની સંયુક્ત ચેકપોસ્ટ ખાતે નવી દર્શક ગેલેરીનું ઉદ્ઘાટન કરવા રાજનાથસિંહ આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજનાથસિંહ અને અમરિન્દરસિંહે સ્વાતંત્ર સેનાની ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી હતી.