(એજન્સી) લખનૌ,તા.ર૬
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દો હાલ સુપ્રીમકોર્ટમાં છે. આ મામલે આગામી વર્ષની જાન્યુઆરીમાં સુનાવણી થશે. પરંતુ આગામી વર્ષમાં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજયમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી એકવાર ભગવાન રામ નામના સહારે તેની ચૂંટણી નાવ પાર કરવાના પ્રયત્નોમાં લાગી છે. કેન્દ્ર અને રાજય બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં રામમંદિરને લઈને બીજેપી આટલી લાચાર કેમ છે ? વરિષ્ઠ પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીએ રામમંદિરને લઈને જારી ઘમાસણ પર બીજેપી અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા પ્રહાર કર્યો છે. વાજપેયીએ ટવીટમાં લખ્યું છે કે, ઉસીકા શહર, વહી મુદ્દઈ વહી મુન્સિફ…. હમે યકીન યા હમારા કસૂર નીકલેગા…. જબ બહુમતમેં આયેંગે તો રામમંદિર બનાયેંગે… કેન્દ્રમે પૂર્ણ બહુમત….યુપીમેં પૂર્ણ બહુમત… અબ બહુમત હે તો રામમંદિરકી હવા બનાયેંગે….યોગી અયોધ્યા બાર-બાર જાયેંગે….મોદી અયોધ્યા સે દૂરી બનાયેંગે…. પૂણ્ય પ્રસૂન વાજપેયીનો આ ટવીટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજેપી ગઠબંધનમાં ભાગીદાર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને યોગી સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભરે પાછલા દિવસોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે બીજેપીને ફકત ચૂંટણીના સમયે જ રામમંદિર યાદ આવે છે. દિલ્હીમાં ભાજપની સરકારને સાડા ચાર વર્ષ થઈ ગયા તો પણ હજુ સુધી મંદિર ધ્યાનમાં આવ્યું નહી અને હવે ચૂંટણીમાં રામના નામે નૌકા પાર કરવા માગે છે. કદાચ હિન્દુ સમુદાયનો પણ હવે બીજેપીમાંથી મોહભંગ થતો જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) પણ રામમંદિરને લઈને સરકાર પર દબાણ શરૂ કરી દીધું છે. અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદે ધર્મસભામાં કેન્દ્રની મોદી સરકારને રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવવા અપીલ કરી હતી. રામમંદિરને લઈને જારી ઘમાસાણ પર વરિષ્ઠ પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીનું આ ટવીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખીય છે કે એબીપી ન્યૂઝમાં પાછલા દિવસોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મોદી સરકારના ટીકાકારોના રૂપમાં ચેનલમાં કાર્યરત મુખ્ય નામોને કથિત રીતે રાજીનામું આપવા મજબુર કરી દેવાયા હતા. ચેનલના મેનેજિંગ એડિટર મિલિન્દ ખાંડેકરે અને વરિષ્ઠ પત્રકાર તેમજ એન્કર પુણ્ય પ્રસૂન વાજપેયીએ ર૪ કલાકમાં જ એબીપીમાંથી રાજીનામું આવી દીધુ હતું. આ બંનેના રાજીનામા પછી થોડાક દિવસો બાદ અભિસાર શર્માને પણ રાજીનામું આપવું પડયું હતું.