(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર
સમગ્ર ગુજરાતમાં આસમાની પ્રકોપથી સામાન્ય ગરીબ પ્રજા અને ખેડૂતો પાયમાલ થયા છે. દિવસો સુધી તંત્ર દ્વારા કોઈ જ મદદ નહીં કરતા ઘણાં લોકોના કરૂણ મૃત્યુ થયા છે. લોકોની માલ મિકલત પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. સ્વૈચ્છિક સંગઠનો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોની સેવાના કારણે લોકોને રાહત પહોંચાડવામાં આવી છે. આજની તારીખે કેટલાય ગામોના રસ્તા તૂટી જવાના કારણે સંપર્ક વિહોણા છે. ત્યારે ખેડૂતો સર્વેની કામગીરી માટે જેમ તેમ કરીને ભાડા ખર્ચીને મામલતદાર ઓફિસે ૭-૧ર અને ૮-અ કઢાવવા લાઈનો લગાવીને સવારથી ઊભા રહે છે ત્યારે તંત્ર સંવેદનશીલ બની માનવતાવાદી અભિગમ દાખવે તે જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન નૌશાદ સોલંકીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે કે આ સમયે પણ સરકાર પૂર પીડિત ખેડૂતો પાસેથી દાખલા કાઢવાના ૧૦ રૂપિયા લેવાનું ચૂકતી નથી. વગર માંગ્યે વિદેશોમાં હજારો કરોડની ખેરાત કરી આવતા આપણા પ્રધાન સેવકને ગુજરાતના ખેડૂતો અને પૂર પીડિત માટે ફકત પ૦૦ કરોડ જેવી મામુલી રકમ ફાળવી. ભાડું ખર્ચીને આવતા ખેડૂતોને દસ રૂપિયા પણ માફ ન કરી શક્તી ભાજપ સરકાર પ્રત્યે લોકોમાં ભયંકર રોષ છે. કોંગ્રેસની સરકારમાં ગામમાં જ તમામ દાખલ મફતમાં કાઢી આપવામાં આવતા. હાલના સંજોગોમાં સરકારે કોઈ જ પ્રકારે ૭-૧ર અને ૮-અ કાઢવાની ફી લેવી જોઈએ નહીં તથા ગ્રામ્ય કક્ષાએ જ તમામ ખેડૂતોને ૭-૧ર અને ૮-અ ના દાખલા મળે તે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ અન્યથા આગામી સમયમાં જન આંદોલનના મંડાણ થશે.