(એજન્સી) કતાર, તા.૧૮
સઉદી અરબે કતારના એ શ્રદ્ધાળુઓ માટે સરહદ ખોલી દીધી છે, કે જેઓ આ વર્ષે હજ માટે જવા ઈચ્છે છે. સઉદી સરકારે બુધવારે કહ્યું કે, તેઓ આ વર્ષે હજ કરવા માટે સઉદી અરબમાં કતારી હજયાત્રીઓનું સ્વાગત કરશે. એક વિવાદ દરમ્યાન જૂનથી બંને દેશોની વચ્ચે પરિવહન અને રાજદ્વારી સંબંધો હાલ તો તૂટેલા છે. સઉદીની સત્તાવાર પ્રેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, સલવા સરહદ કતારી નાગરિકો માટે ખુલશે, કે જેઓ હજ યાત્રા પર જવા ઈચ્છે છે.
સઉદી અરબ, ઈજિપ્ત, બહેરીન અને સંયુક્ત અરબ અમિરાતે પાંચ જૂનના રોજ કતારની સાથેના રાજદ્વારી તેમજ વેપારી સંબંધોને સમાપ્ત કરી લીધા હતા. આ દેશોએ કતાર પર આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમ્યાન કતારના એ લોકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી, જેઓ આ વર્ષે હજયાત્રાની તૈયારી કરીને બેઠા હતા. પરંતુ સઉદી અરબની સરકારે કતારના આવા હજયાત્રીઓને મોટી રાહત આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને દોહાના દૂતની વચ્ચે મુલાકાત બાદ સરહદ સંબંધિત આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાહે આદેશ આપ્યો છે કે કતારના હજયાત્રીઓને તીર્થયાત્રા કરવા માટે સલવા સરહદ પાર કરીને સઉદી અરબમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે. ઉપરાંત સઉદી ઉડ્ડયન કંપનીના ખાનગી વિમાનોને દોહા એરપોર્ટ પર મોકલવામાં આવશે, જેથી દરેક કતારી હજયાત્રીઓને તેના ખર્ચે લાવી શકાય. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, સઉદી તેમજ કતારના લોકો અને સઉદી નેતૃત્વ તેમજ કતારમાં શાહી પરિવારની વચ્ચે ઐતિહાસિક સંબંધો પર જોર આપવામાં આવે. કતારના સત્તાધીશોએ સઉદી અરબ પર ગત મહિને આરોપ લગાવ્યો હતો કે તેણે તીર્થયાત્રીઓની સુરક્ષાની ગેરંટી આપવાનો ઈન્કાર કરીને મક્કાની યાત્રાને જોખમમાં મૂકી દીધી છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.