પાટણ એલસીબીએ રિમાન્ડની તજવીજ હાથ ધરી
(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૧૬
સસ્તા ભાવે ચોરીની બાઈકો ખરીદી તેના લે-વેચ તથા બાઈક ચોરીઓમાં સંડોવાયેલ એક અઠંગ ગુનેગારને પાટણ એલસીબી પોલીસે દબોચી લઈ ર૧ બાઈકો અને બોલેરો પીકઅપ ડાલુ જપ્ત કર્યા હતા. અગાઉ તેણે નકલી પોલીસનો સ્વાંગ રચી પાલનપુર તથા વાગડોદમાં ગુનાખોરીને અંજામ આપ્યાની કબુલાત કરી હતી.
પાટણ જિલ્લામાં બનેલ બાઈક ચોરીઓના ગુનામાં સંડોવાયેલ સંખેશ્વરના રણોદ ગામનો મૌલિકકુમાર રમણલાલ વઢેર પાટણ આવી રહ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળતા પદ્મનાભ ચોકડી ખાતે વોચમાં ગોઠવાયા હતા. દરમ્યાન તે પસાર થતા તેને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે મૈલેષભાઈ દરજી તથા અજયભાઈ ગૌસ્વામી (રહે. બંને પાટણ) પાસેથી બે પલ્સર મોટર સાયકલ તથા કલોલની મધુર ડેરીના દૂધના કેરેટ ભરેલુ જીપકાલુ જે ચોરીના હોઈ વેચવાના ઈરાદે પોતાના ખેતરમાં સંતાડી રાખેલ હોવાનું જણાવતા પોલીસે રૂા.૬,ર૦,૦૦૦ની કિંમતના ત્રણેય વાહનો જપ્ત કર્યા હતા.
પોલીસે મૌલિકકુમારની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને પાટણ, મહેસાણા, બનાસકાંઠા તથા અમદાવાદ જિલ્લાના વિવિધ શહેરોમાંથી ચોરેલા બાઈકો જે તે ઉઠાવગીરો પાસેથી રૂા.પથી ૭ હજારમાં ખરીદી તેને રૂા.૧૦થી ૧પ હજારમાં વેચતો હતો. પોલીસે વેચાણ કરેલા ર૧ બાઈકો તેને સાથે રાખી વચેલ શખ્સો પાસેથી પરત મેળવી કબજે લીધા હતા અને તે અન્ય ગુનાઓમાં સંડોવાયેલ છે કે નહી ? તેની વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.