Site icon Gujarat Today

આપ, તૃણમૂલ કોંગ્રેસે રમઝાન મહિનામાં ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવ્યા, અસદુદ્દીન ઓવૈસીએ અસંમતિ દર્શાવી

(એજન્સી) તા.૧૧
આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ત્રણ ચરણો પવિત્ર રમઝાન માસમાં યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકાત્તાના મેયર ફિરહદ હકીમે સાત ચરણોમાં યોજાનારી લોકસભા ચૂંટણીના લાંબા સમયપત્રક સામે પ્રશ્ન ઉઠાવીને કહ્યું હતું કે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં રમઝાન માસ દરમિયાન યોજાનારી ચૂંટણી મુસ્લિમો માટે અનુકૂળ નથી. હકીમે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. અમે તેનો આદર કરીએ છીએ. અમે તેના વિરૂદ્ધ કશું બોલવા માંગતા નથી. પરંતુ સાત ચરણમાં યોજાનારી ચૂંટણી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશના લોકો માટે મુશ્કેલ હશે. ખાસ કરીને એમના માટે કે જેઓ રમઝાનમાં રોઝા રાખે છે. આ મુદ્દા પર ભાજપને આડે હાથ લેતાં કોલકાત્તાના મેયરે કહ્યું હતું કે, ભાજપ આ નથી ઈચ્છતી કે, લઘુમતી સમુદાયના લોકો મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે કહ્યું હતું કે, આ રાજ્યોમાં લઘુમતીઓની સંખ્યા નોંધપાત્ર છે. તેઓ રોઝો રાખીને મત આપવા જશે. ચૂંટણી પંચે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈતી હતી.
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર છે. રાજ્યની ૮૦ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર રમઝાન મહિનામાં ચૂંટણી યોજાશે. દિલ્હીમાં આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ કહ્યું હતું કે, દેશની રાજધાનીમાં ૧ર મેના દિવસે ચૂંટણી યોજાશે. જેના કારણે મુસ્લિમો મોટી સંખ્યામાં મત આપવા નહીં આવે જેના કારણે ભાજપને લાભ મળશે. ખાને ટ્‌વીટ કર્યું હતું કે, દિલ્હીમાં ૧ર મેના દિવસે રમઝાનમાં ચૂંટણી યોજાશે. મુસ્લિમો ઓછા પ્રમાણમાં મતદાન કરશે, જેનો સીધો લાભ ભાજપને થશે.
બીજી તરફ ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસ્લિમિનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ સમગ્ર વિવાદને બિનજરૂરી ગણાવતા કહ્યું હતું કે, હું રાજકીય પક્ષોને વિનંતી કરવા માંગું છું કે, મહેરબાની કરીને તમારા કોઈપણ કારણોસર મુસ્લિમ સમુદાય અને રમઝાનનો ઉપયોગ ન કરો.

Exit mobile version