(એજન્સી) તા.૪
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યુંછે કે, નોટબંધીએ દેશના ગરીબો ઉપર માઠી અસર કરી છે. એમને જ વધુ ભોગવવાનો વારો આવ્યો છે. આ તબક્કે નોટબંધીને સફળ ગણાવી નહીં શકાય પણ આનું ખરું મૂલ્યાંકન લાંબાગાળે કરી શકાશે. નોટબંધીના નિર્ણયથી દેશની જીડીપી ઉપર ઘેરી અસર પડી છે. આની અસર ગરીબો ઉપર જ વધુ થવાની છે. જે લોકો રોકડ વહેવારથી ટેવાયેલા હતા એમને ખૂબ જ ગંભીર અસર થઈ હતી જેમાં ખાસ કરીને ગરીબ લોકો જ હતા. જો કે, એની અસર ઘટશે પણ એવા ઘણા લોકો છે જેમની પાસે સિમિત સાધનો છે. ઘણી બધી નાની દુકાનો અને સંસ્થાનો આ ગાળા દરમિયાન બંધ પણ થઈ ગયા હતા કારણ કે લોકો તાણ ઝીલી શકયા ન હતા. પૂર્વ ગવર્નરે જણાવ્યું કે એ નોટબંધીની તરફેણમાં ન હતા. એમના મત અનુસાર આ નિર્ણય ગૂંચવાડાઓભર્યું છે. જેના લાભો લાંબાગાળે મળે એની પણ કોઈ ખાતરી નથી. રાજને પોતાના પુસ્તકમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા છે જે પુસ્તકમાં એમણે પોતે આપેલ લેકચરોનું સંકલન કર્યું છે. જો કે એ પુસ્તક દ્વારા એમના સંબંધો હાલની સરકાર સાથે સારા ન હતા એ હકીકત પ્રતિપાદિત થાય છે. રાજને કહ્યું કે મને નોટબંધી બાબતે એક વખત પણ પૂછાયું ન હતું. એનાથી સાબિત થાય છે કે, એ મોટી ચલણી નોટોને રદ કરી નવી નોટો છાપવાનું કાર્ય મહિનાઓથી ચાલુ હતું એ વાત રાજનના ખુલાસાથી ખોટી સાબિત થાય છે. ગયા વર્ષે ૩જી સપ્ટેમ્બરે પોતાનો હોદ્દો છોડયા પછી પહેલી વખત રાજનનું નિવેદન બહાર આવ્યું છે. એમણે કહ્યું હતું કે, ભારત વિશે એક વર્ષ સુધી એ કોઈ ચર્ચા કરશે નહીં કારણ કે એ એમના અનુગામીને મુશ્કેલીમાં મૂકવા માંગતા ન હતા. રાજને કહ્યું કે, મને ફેબ્રુઆરી ર૦૧૬માં પૂછાયું હતું કે, નોટબંધી કરાય કે નહીં. જે બાબતે મેં મૌખિક જવાબ નકારમાં આપ્યો હતો. મેં કહ્યું હતું કે, એના ફાયદાઓ લાંબેગાળે થઈ શકે પણ ટૂંકા ગાળે આમાં નુકસાન વધુ છે. જો કે, એમણે ટૂંકાગાળાના નુકસાનને વિસ્તૃત રૂપે જણાવ્યું ન હતું અને લાંબાગાળાના લાભો વિશે પણ કહ્યું ન હતું. એમણે કહ્યું કે, જે ઉદ્દેશ્ય રખાયો હતો એ ઉદ્દેશ્ય હાંસલ કરવાના અન્ય વિકલ્પો પણ હતા. સરકારના આંકડાઓ દર્શાવે છે કે, ૮મી નવેમ્બર ર૦૧૬ના રોજ જ્યારે નોટબંધી કરાઈ ત્યારે ચલણમાં ૮૬ ટકા પ૦૦, ૧૦૦૦ના દરની નોટો હતી જેના લીધે અર્થતંત્ર ઉપર ઘેરી અસર પડી. જીડીપી ૭ ટકાથી ઘટીને પ.૭ ટકા થઈ ગઈ છે કારણ કે લોકોની ખર્ચ કરવાની શક્તિમાં ઘટાડો થયો હતો અને નવા રોકાણો પણ અટકી ગયા હતા. જો કે સરકાર જણાવે છે કે, મંદીનું કારણ ફકત નોટબંધી નથી પણ મને લાગે છે કે, ૧થી ર ટકાનું જીડીપીમાં ઘટાડાનો અર્થ છે રથી ર.પ લાખ કરોડનો ઘટાડો. મને લાગે છે કે, જે લોકોને આશા હતી કે સિસ્ટમમાં આટલા બધા નાણાં પાછા આવશે નહીં એ ભૂલભૂલામણીમાં રહી ગયા. સરકારની ધારણા હતી કે ૩ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું ફરી રહ્યું છે જે પાછું આવશે નહીં અને સરકારને એ રૂપિયા ચૂકવવા પડશે નહીં જેથી સરકારને આટલા રૂપિયાનો નફો જ થવાનો છે જે નફો બીજા અન્ય વિકાસ કામોમાં કરી શકાશે અને નવા રોકાણો કરી શકાશે. પણ રિઝર્વ બેંકની માહિતી મુજબ ૯૯ ટકા ચલણી નોટો બેંકોમાં જમા થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે કાળા નાણાં ધરાવનારાઓએ પોતાની સગવડ કરી લીધી અને પોતાના નાણાંને કાયદેસરના બનાવી દીધા. ૯૯ ટકા ચલણી નોટો પાછી આવવી એનો અર્થ એ થયો કે સરકારની કાળા નાણાં નાથવાના પ્રયાસને સંપૂર્ણ નિષ્ફળતા મળી છે.