તે બકરી ઈદ મનાવવા દુબઈથી ઘરે પરત આવ્યો, અઠવાડિયા બાદ બરેલીમાં કથિત ભેંસ ચોરી બદલ ટોળાએ રહેંસી નાખ્યો

(એજન્સી) બરેલી, તા. ૩૦
ઉત્તરપ્રદેશના બરેલીના એક ગામમાં દુબઇથી બકરી ઈદ મનાવવા ઘરે પરત ફરેલા ૨૨ વર્ષના યુવકને ભેંસની ચોરીની શંકા દર્શાવી ગામલોકોએ રહેંસીને મોતને ઘાટ ઉતારવાની નવી ઘટના સામે આવી છે. મંગળવારે રાતે બરેલીના ભોલાપુર હિંડોલિયા ગામે આ ઘટના બની હતી. પોલીસે કહ્યું કે, ગામલોકોએ તેમને ફોન કરીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે શાહરૂખ ખાન અને તેના ત્રણ મિત્રો ભેંસ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શહેરના એસપી અભિનંદને કહ્યું કે, ત્યારબાદ પોલીસ તેને જિલ્લા હોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગામલોકોએ અમને આ ઘટના વિશે જણાવ્યું હતું. અને તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. એવું લાગે છે કે, તે નશાના વધુ પ્રમાણને કારણે મોતને ભેટ્યો હતો. તે નશાનો બંધાણી હતો. જોકે, શાહરૂખ ખાનના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, તે લિવર અને કિડનીમાં આંતરિક ઇજાઓને કારણે મોતને ભેટ્યો છે. આ જ અધિકારીએ બાદમાં સમાચાર એજન્સીને કહ્યું કે, રિપોર્ટમાં વધુ પડતા નશાનો કોઇ ઉલ્લેખ નથી.
એસપી અભિનંદને કહ્યું કે, આ ટોળા દ્વારા લિન્ચિંગનો કેસ છે. રાતે ૨.૩૦ વાગે ચાર લોકો ભેંસ ચોરવા ગામમાં પ્રવેશ્યા હતા પણ તેઓ પકડાઇ ગયા હતા. આમાંથી ત્રણ તળાવમાં કૂદી નાસી ગયા હતા પણ ખાન તરવાનું જાણતો ન હોવાથી કૂદ્‌યો નહીં અને પાછળ છૂપાઇ ગયો. શાહરૂખ ખાન દુબઇમાં એમ્બ્રોઇડરીનું કામ કરે છે અને તે એક મહિના પહેલા પરત ફર્યો હતો. તેના ભાઇ ફિરોઝે કહ્યું કે, મિત્રનો ફોન આવ્યા બાદ તે બહાર ગયો હતો. જ્યારે તે પરત ના ફર્યો ત્યારે પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો પણ વિચાર્યું કે, સવાર સુધી પરત આવી જશે. સવારે અમને પોલીસનો ફોન આવ્યો અને કહ્યું કે, શાહરૂખ હોસ્પિટલમાં છે. ખાનના પરિવારે ચોરીના અહેવાલ ફગાવ્યા છે. ફિરોઝે કહ્યું કે, તે દુબઇ અને અન્ય અખાતી દેશોમાં કામ કરે છે. તે દિલ્હી અને મુંબઇમાં પણ રોકાયો છે. તેણે કાંઇ ખોટું કર્યું નથી. તે આત્મસંતોષી હતો. માજિદ અને પપ્પુએ તે દિવસે તેને બોલાવી ગોળી આપી હતી. આ ઘટનામાં પોલીસે બે કેસ નોંધ્યા છે. એકમાં ૨૫ લોકો પર હત્યાનો આરોપ છે. બીજો કેસ ભેંસ ચોરીનો છે જે ગામલોકોની ફરિયાદના આધારે નોંધાયો છે અને તેમાં ખાન તથા તેના ત્રણ મિત્રોને આરોપી બનાવાયા છે. આ કેસમાં અત્યારસુધી કોઇ ધરપકડ કરાઇ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks