Site icon Gujarat Today

રાહુલે પાટીદાર યુવાન પાસેથી ટોપી ખેંચી પોતે પહેરી લીધી

(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા,૧૩
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે વિશાળ જનસમર્થન મેળવનાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉ.ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ દિવસે પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા અને ભાજપના ગઢ સમાન મહેસાણા આવી શહેરમાં યોજાયેલ જાહેર સભામાં રાજય અને કેન્દ્ર સરકારને આડે હાથે લઈને આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત એવું રાજ્ય છે જયાં તમામ વર્ગો દુઃખી છે અને ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે. પાટીદાર, દલિત, આદિવાસી સમાજ હોય કે આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો પોતાના હક માટે લડત ચલાવે છે. મહેસાણામાં પાટીદારોને તેમના ઘરોમાં ઘૂસીને માર મારવામાં આવ્યો, તેમનો શું વાંક હતો ? ભાજપ ગંદુ રાજકારણ રમીને જે અવાજ ઉઠાવે તેને દબાવવાનું કામ કરે છે. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ તો માત્ર પ્રતિક છે પરંતુ, તેમની પાછળ તેમના સમાજની વ્યથા છુપાયેલી છે. યુપીએ સરકારે ૩૩ હજાર કરોડ મનરેગામાં ફાળવીને લાખો પરિવારોની જિંદગી બદલી હતી. જ્યારે ભાજપ સરકારે એટલાં જ નાણાં જુજ ઉદ્યોગપતિઓને ફાળવી દીધા છે. કોંગ્રેસ બદલાવાળી પાર્ટી નથી પરંતુ ગુજરાતમાં બદલાવ જરૂર લાવશે. બદલો લેવાનું કામ ભાજપ અને આરએસએસનું છે. પોતાના પર થઈ રહેલ અંગત ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમે, કોંગ્રેસના કાર્યકરોને દેશના વડાપ્રધાન હોવાના નાતે નરેન્દ્ર મોદી વિશે અભદ્ર વાતો ન કરવા જણાવ્યું છે. ભલે તેઓ મારા વિષે કંઈ પણ ટીકા ટિપ્પણી કરતા રહે આપણે વડાપ્રધાનના પદનું આદર કરવાનું છે.
પાટણથી મહેસાણા જિલ્લામાં પ્રવેશેલા રાહુલ ગાંધીએ બહુચરાજીમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ નવસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી. રસ્તામાં ઠેર-ઠેર લોકોનું અભિવાદન ઝીલીને એક તબક્કે જય સરદાર, જય પાટીદાર લખાણ લખેલી ટોપી સ્વયં પાટીદાર યુવક પાસેથી ખેંચી લઈને રાહુલ ગાંધીએ માથે પહેરી લેતાં હાજર પાટીદાર યુવકોએ ચિચિયારીઓ પાડીને રાહુલ ગાંધીનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.

Exit mobile version