(એજન્સી) તા.૨૩
રાફેલ ડીલ પર સરકારને નિશાન બનાવ્યાના બે દિવસ બાદ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં ગોપનીયતા સંબંધીત સમજૂતીને લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન પર ઢચુંપચું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે અને એવો ફરીથી દાવો કર્યો છે કે આ ફાઇટર વિમાનના સોદામાં ચોક્કસપણે કૌભાંડ અને ગોટાળા થયા છે.
રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ નિશાન તાક્યું હતું અને એવો આક્ષેપ કર્યો છે કે વિમાનની કિંમત અંગે પૂછતા મોદી પણ ગભરાય છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણા સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે તેઓ (ખુલાસો) કરશે, પરંતુ હવે એવું કહે છે કે ખુલાસો નહીં કરે. તેઓ ગોપનીય છે અને ગોપનીય નથી એ બંને વચ્ચે ફસાયા છે. જ્યારે વડાપ્રધાનને રાફેલ વિમાનની કિંમત અંગે પૂછવામાં આવે છે તો તેઓ ગભરાય છે અને મારી આંખોમાં આંખ નાખીને જોઇ શકતા નથી. ચોક્કસપણે ગોટાળાની ગંધ આવે છે. ૨૦ જુલાઇએ લોકસભામાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલમાં કૌભાંડનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી ચોકીદાર નથી પરંતુ ભાગીદાર છે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે સંરક્ષણ પ્રધાન સીતારમન જૂઠું બોલી રહ્યા છે.
તેમણે દાવો કર્યો હતો કે હું ફ્રાંસના રાષ્ટ્રપતિને સ્વયં મળ્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે રાફેલ વિમાન ડીલને લઇને ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે ગોપનીયતાની કોઇ સમજૂતી થઇ નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે વડાપ્રધાને તેનો જવાબ આપવો જોઇએ કે રાફેલ સોદાને અચાનક કેમ બદલવામાં આવ્યો અને હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ પાસેથી કોન્ટ્રેક્ટ લઇને એક ઉદ્યોગપતિને કેમ આપવામાં આવ્યો કે જેમના પર રૂા.૩૫૦૦૦ કરોડનું કરજ છે.