આ મોદીનું ક્રૂર ‘ન્યૂ ઇન્ડિયા’ જ્યાં માનવતાનું સ્થાન નફરતે લીધું : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
રાજસ્થાનના અલવરમાં તાજેતરમાં અકબરખાનની કહેવાતા ગૌરક્ષકો દ્વારા બર્બર માર મારી હત્યા કરવાની ઘટનાનો પડઘો સંસદથી લઇ દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટમાં પણ પડ્યો છે. આ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે, આ મોદીનું ક્રૂર ‘ન્યુ ઇન્ડિયા’ છે. પીડિતને હોસ્પિટલ લઇ જવામાં વિલંબ કરવા બદલ પોલીસની આકરી ઝાટકણી કાઢતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ મોદીનું ક્રૂર ન્યુ ઇન્ડિયા છે જ્યાં માનવતાનું સ્થાન નફરતે લીધું છે અને લોકોને મરવા માટે છોડી દેવાય છે.
કોંગ્રેસના અધ્યક્ષે સવારે ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, જ્યારે ઘટના સ્થળેથી હોસ્પિટલ ફક્ત છ કિલોમીટર દૂર હતી તો પોલીસને અકબરને હોસ્પિટલ લઇ જવા માટે ત્રણ કલાકનો સમય કેમ લાગ્યો. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ માર્ગમાં ચાની ચુસ્કી લઇ રહી હતી. તેમણે લખ્યું કે, આ મોદીનું ક્રૂર ન્યુ ઇન્ડિયા છે જ્યાં માનવતાનું સ્થાન નફરતે લઇ લીધું છે અને લોકોને દબાવવામાં આવે છે તથા તેમને મરવા માટે છોડી દેવાય છે. ઉલ્લેખનીય છે કે, અલવરમાં શુક્રવારે મોડી રાત્રે ગાયની તસ્કરીની શંકામાં અકબર નામના યુવકને ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તેની સાથે પગપાળા ગાયને લઇ જનાર તેનો સાથી અસલમ કોઇક રીતે ટોળામાંથી બચી ગયો હતો અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે, એક તરફ અસલમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે અકબર ટોળાના હાથમાં આવી જતાં તેને લાકડીઓથી માર મારતા તે હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર રીતે ઘવાયો હતો. તે ચાલી શકતો ન હતો તેથી પોલીસ તેને જીપમાં નાંખી રામગઢની હોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
નજરે જોનારા સાક્ષીઓ અનુસાર ઘટનાસ્થળેથી આશરે છ કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલમાં અકબરને લઇ જવા માટે પોલીસે ત્રણ કલાક લગાવ્યા હતા. પહેલા પોલીસે ગાયોને મોકલવાની વ્યવસ્થા કરી, બાદમાં પોતાની જીપ ગંદી ના થાય તે માટે પહેલા અકબર પર પાણી નાખ્યું અને બાદમાં માર્ગમાં ચા પીવા રોકાઇ હતી ત્યારબાદ પોલીસ તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. હોસ્પિટલ પહોંચતા જ અકબરને મૃત જાહેર કરાયો હતો. આ આરોપોથી પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ઘટનાને વખોડી હતી જ્યારે બીકાનેરના સાંસદ અને કેન્દ્રીય નાણાં બાબતોના રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલે ઘટનાને ષડયંત્ર સાથે જોડતા જણાવ્યું હતું કે, જેમ જેમ પીએમ મોદીની લોકપ્રિયતા વધશે તેમ તેમ લિન્ચિંગની ઘટનાઓ પણ વધશે. આ પીએમ મોદી દ્વારા બહાર પડાયેલી યોજનાઓનો પ્રત્યાઘાત છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અલવર લિન્ચિંગ સાથે સંડોવણીમાં વસુંધરા રાજે સરકાર વિરૂદ્ધની અરજીની સુનાવણી હાથ ધરશે. રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ દેશમાં વધી રહેલી લિન્ચિંગની ઘટનાઓ મુદ્દે પીએમ મોદીના મૌન પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઇની ઉપર હુમલો થાય ત્યારે તે આંબેડકર, બંધારણ અને સંસદ પર હુમલો ગણાય. એવા પણ અહેવાલો છે કે, આ હુમલા દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર જ થાય છે. વડાપ્રધાન આ માટે એક પણ શબ્દ બોલતા નથી. શું તેઓ દેશના ભાગ નથી ? તેના બદલે તેમના મંત્રીઓ દોષિતોને માળા પહેરાવી સ્વાગત કરે છે.

અકબરને હોસ્પિટલ લઇ જવામાં વિલંબ અંગે
પોલીસ તપાસ કરશે

અકબરની હત્યા અંગે રાજસ્થાન પોલીસે ઉચ્ચસ્તરની પોલીસ તપાસ ટીમ રચી છે જે ગૌરક્ષકો દ્વારા તેને માર મરાયા બાદ હોસ્પિટલમાં લઇ જવામાં વિલંબ અંગે તપાસ કરશે. રાજસ્થાનના ડીજીપી ઓપી ગલહોત્રાએ કહ્યું છે કે, પોલીસ ટીમ એ તપાસ કરશે કે જ્યારે ઘટનાસ્થળેથી હોસ્પિટલ ચાર કિલોમીટર દૂર હતી ત્યારે અકબરને ત્યાં લઇ જવામાં આટલો વિલંબ કેમ થયો. આ ટીમમાં અધિકારીઓ એનઆરકે રેડ્ડી, પીકે સિંહ અને હેમંત પ્રિયદર્શી તથા મહેન્દ્રસિંહ ચૌધરી સામેલ છે. ઘટનાસ્થળે પોલીસ એક વાગે પહોંચી તો તેને હોસ્પિટલ લઇ જવામાં સવારના ચાર કેમ વાગ્યા તેની પૂછપરછ કરશે. હોસ્પિટલ લઇ જતા સમયે પોલીસ રોકાઇ હતી કે કેમ તે અંગે પણ તપાસ થશે. આશ્ચર્યજનક રીતે પોલીસ કહે છે કે, તેને ચાર લાગે હોસ્પિટલ લઇ જવાયો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકબરને ૩.૪૦ વાગે મોતને ભેટ્યો હોવાનો ખુલાસો થયો છે. નજરે જોનારા સાક્ષી વિજય કુમાર અનુસાર અકબર અને અસલમ ગાયોને લઇને જતા હતા ત્યારે વરસાદ વરસી રહ્યો હતો અને ગાયોએ અવાજ કરતા ગામ લોકો ઉઠી ગયા હતા અને અકબરને માર માર્યો હતો, નાસવામાં અકબર કાદવમાં પડી ગયો જ્યારે અસલમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગંભીર હાલતમાં કાદવમાં પડેલા અકબરને વેનમાં નાખતા પહેલા પોલીસે તેને પાણીથી નવડાવ્યો હતો.

સરકાર લિન્ચિંગ જેવા કૃત્યોને પ્રોત્સાહન આપે છે : મલ્લિકાર્જુન ખડગે

રાજસ્થાનના અલવરમાં અકબર નામના મુસ્લિમને ગાયની શંકામાં માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના અંગે કોેંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ભાજપની આગેવાનીવાળી સરકાર આવા કૃત્યોને પ્રોત્સાહન આપે છે અને તે આવી સ્થિતિને ઉકેલવા માગતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. બીજી તરફ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, આવી ઘટનાઓથી તેમને કોઇ આશ્ચર્ય નથી થયું, પોલીસ અને ગૌરક્ષકો એકબીજા સાથે મળેલા હતા. તેમણે કહ્યું કે, પોલીસે જે રીતે પેહલુખાન હત્યામાં વર્તન કર્યું હતું તે જ આ કેસમાં કર્યું છે અને ગૌરક્ષકોને મદદ કરી છે. ગૌરક્ષકો અને પોલીસ એકબીજા સાથે મળેલા છે. દરમિયાન રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે, પોલીસની ભૂમિકાની તપાસ થશે અને પગલાં લેવાશે.

પીડિત અકબરને મદદ કરવામાં પોલીસ દ્વારા
‘વિલંબ’ મુદ્દે કેન્દ્રએ રિપોર્ટ માગ્યો, તપાસનો આદેશ

અલવરમાં અકબર ખાનની હત્યા મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહ બાબતોના મંત્રાલયે પોલીસ દ્વારા સારવાર અપાવવામાં વિલંબનો રિપોર્ટ માગવામાં આવ્યો છે જયારે રાજ્ય સરકાર દ્વારા ઘટનામાં તપાસના આદેશ અપાયા છે. રાજસ્થાનના અલવરમાં શુક્રવારે અકબરખાનની લિન્ચિંગથી હત્યા નિપજાવવામાં ઘણી આઘાતજનક બાબતો સામે આવી છે જ્યાં ગાયની તસ્કરીની શંકામાં હિંદુત્વ આતંકીઓ દ્વારા તેને માર મારી મોતને ઘાટ ઉતારાયો હતો. અકબર સાથે રહેલો અસલમ ખાન સદનસીબે ઘટનાસ્થળેથી બચી જવામાં સફળ થયો હતો અને નાસી છૂટ્યો હતો. જોકે, હવે એવો ખુલાસો થયો છે કે, પોલીસે અકબરને હોસ્પિટલ પહોંચાડવાને પ્રાથમિકતા આપી નહોતી. તેના બદલે ખાખીધારી લોકોએ પહેલા ગાયોને ગૌશાળા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવાયો છે કે, ફક્ત છ કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલમાં તેને પહોંચાડવા માટે પોલીસે ત્રણ કલાકથી પણ વધુ સમય લીધો હતો. અકબરને સવારે ચાર વાગે હોસ્પિટલમાં લવાયો હતો. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડોક્ટર હસનઅલીએ કહ્યું છે કે, પોલીસ તેને ચાર વાગે અહીં લાવી હતી પણ ત્યાં સુધી તે મૃત્યુ પામ્યો હતો. મેં નિર્દેશ કર્યો હતો કે મૃતદેહને મડદાઘરમાં મોકલી અપાય. ફરિયાદ અનુસાર પોલીસને રાતે ૧૨.૪૧ કલાકે હુમલાની જાણ થઇ હતી અને તે ઘટનાસ્થળે ૧૫-૨૦ મિનિટમાં પહોંચી ગઇ હતી. પોલીસે ખાનનો જીવ બચાવવાને મહત્વ આપ્યું નહોતું. તેઓએ પહેલા ગાયોની વ્યવસ્થા કરી બાદમાં અકબરને હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા.હિંદુત્વ ગેંગના સભ્ય નવલકિશોરે કહ્યું કે, પોલીસ રાતે ત્રણ વાગે ગાયોને ગૌશાળામાં લાવી હતી. વેનમાં નાખ્યા પહેલા કાદવથી લથપથ ખાનને પોલીસે પાણીથી નવડાવ્યો હતો. નવલકિશોરની સંબંધી મહિલા માયાએ કહ્યું કે, વેનમાં પોલીસ ખાનને મારી રહી હતી. તે સમયે તે જીવિત હતો અને બૂમો પાડી રહ્યો હતો. ગાયોની વ્યવસ્થા કર્યા બાદ પોલીસે નજીકમાં આવેલી ચાની દુકાનમાં ચા પીધી હતી જ્યારે ગંભીર રીતે ઘાયલ અકબર બૂમો પાડી રહ્યો હતો. અલવરના એસપી રાજેન્દ્રસિંહે કહ્યું છે કે આ ગંભીર આરોપોની તપાસ થશે અને પોલીસ સામે જરૂરી પગલાં લેવાશે.

અકબરના પરિવારને ૫૦ લાખ રૂપિયા, પત્ની માટે સરકારી નોકરી અને ન્યાયની માગ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ કાલિયાન કમિટીએ હરિયાણાના નૂહ જિલ્લાના રહેવાસી અકબરખાનની હત્યાની ટીકા કરતા તેના પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર અને પત્નીને સરકારી નોકરી આપવાની માગ કરી છે. કમિટીના કન્વીનર હરફુલખાન ભટ્ટીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી આ માગ કરી છે. તેમણે લખ્યું હતું કે, રાજ્સ્થાનમાં આ પહેલા ટોળા દ્વારા હત્યાઓની ઘટનાઓમાં આકરી કાર્યવાહી કરી હોત તો આજે આ ઘટના ના સર્જાઇ હોત. રાજસ્થાનમાં હરિયાણાના નિવાસી સાથે આવી ચોથી ઘટના છે. તેમણે દોષિતો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. ગૌરક્ષકોનો શિકાર બનેલા અકબરખાનના સાત બાળકો છે. અકબરના મોતથી તેના પરિવાર પર આફત તૂટી પડી છે. રાષ્ટ્રીય કન્વીનરે માગ કરી છે કે, મૃતકના મરણોત્તર નિવેદન અનુસાર હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks