(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૧
ઓસ્માનિયા યુનિવર્સિટીએ સુરક્ષાના કારણસર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ૧૩ અને૧૪મી ઓગસ્ટના રાજ્યના પ્રવાસ દરમિયાન તેના કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથેની રાહુલ ગાંધીની સૂચિત બેઠકની પરવાનગી આપવાનો શુક્રવારે ઇન્કાર કરી દીધો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સીએચ ગોપાલ રેડ્ડીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાને સુરક્ષા પુરી પાડવા માટે તેમની પાસે કોઇ વ્યવસ્થા નહીં હોવાથી તેઓએ પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે. જો સ્થાનિક પોલીસ કે ખાસ સુરક્ષા જૂથ (એસપીજી) જેવી અન્ય કોઇ સરકારી એજન્સી રાહુલ ગાંધીની સુરક્ષાની યુનિવર્સિટીને ખાતરી આપે તો તેઓ પોતાના નિર્ણયની સમીક્ષા કરી શકે છે. રેડ્ડીએ જણાવ્યું કે રાહુલ ગાંધીને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા મળેલ હોવાથી અમે તેમને સુરક્ષા પુરી પાડવા સક્ષમ નથી. યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીની મુલાકાતને આવકારી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ બાબતને કારણે તેમની મુલાકાત દરમિયાન તનાવ સર્જાવાની સંભાવના હોવાથી તેમને પુરતી સુરક્ષા પાડવાની અમારી અક્ષમતા વિશે અમે તેમને કહી દીધું છે. તેલંગાણા કોંગ્રેસના નેતાઓએ અગાઉ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓને સંબોધશે.