(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
જર્મનીના બેમ્બર્ગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે, ભારતમાં ટોળા દ્વારા માર મારી લોકોની હત્યા કરવાની ઘટનાઓ બેરોજગારી અને સત્તાધારી ભાજપ દ્વારા નોટબંધી તથા જીએસટીને ખરાબ રીતે લાગુ કરવાથી નાના વેપારીઓ ઠપ્પ થઇ જવાને કારણે ફેલાયેલા ગુસ્સાને કારણે થઇ રહી છે. રાહુલ ગાંધીએ આઇએસઆઇએસ બનવાના સંદર્ભમાં ચેતવણી આપી હતી કે, જો વિકાસની પ્રક્રિયાથી લોકોને બહાર રાખવામાં આવશે તો દેશમાં પણ આવી સ્થિતિ સર્જાશે. તેમણે કહ્યું કે, લોકોને બહાર રાખવા ૨૧મી સદીમાં અત્યંત ભયાનક છે. જો ૨૧મીસદીમાં તમે લોકોને વિઝન નહીં આપો તો કોઇ અન્ય આપશે. તેમણે ભાજપની આગેવાનીવાળી સરકાર પર વિકાસ પ્રક્રિયામાંથી આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓને બહાર રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે, અને આપણી વિકાસ પ્રક્રિયામાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર રાખવાનો એજ અસલ ખતરો છે.
કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, દુનિયામાં જે ફેરફાર થઇ રહ્યા છે તે માટે લોકોને કેટલીક નિશ્ચિત સુરક્ષાની જરૂર છે. તેમણે ભારતની સત્તાધારી સરકાર પર તેમની પાસેથી આ સુરક્ષા ઝૂંટવી લેવા અને જીએસટી દ્વારા બિનજરૂરી રીતે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો જેનાથી લોકોમાં ગુસ્સો ફેલાઇ રહ્યો છે અને ટોળા દ્વારા હત્યાની ઘટનાઓ સર્જાઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપની સરકાર એવું માને છે કે, આદિવાસી, ગરીબ ખેડૂતો, નીચલી જાતિના લોકો અને લઘુમતીઓને અમીરો સમાન લાભો મળનવા જોઇએ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાનું વિમુદ્રીકરણ કર્યું અને તમામ નાના તથા મધ્યમ ઉદ્યોગો માટેના કેશ પ્રવાહને નષ્ટ કરી લાખો લોકોને બેરોજગાર બનાવવાનું કામ કર્યું છે. મોદીએ ખોટી માન્યતાવાળો જીએસટી દેશના લોકો પર થોપી દીધો જેનાથી જીવનને વધુ જટિલ બનાવી દીધું છે. નાના ઉદ્યોગોમાં કામ કરનારા લોકો મોટી સંખ્યામાં ગામ પરત ફરવા મજબૂર બન્યા અને સરકારે જે ત્રણ કામ કર્યા તેનાથી ભારતમાં આક્રોશનો જન્મ થયો. તમને પણ અખબારોમાં આજ વાંચવા મળે છે. જ્યારે તેમે ટોળા દ્વારા માર મારીને હત્યા કરવાની વાત સાંભળો છો, જ્યારે તમે ભારતમાં દલિતો પર હુમલા વિશે સાંભળો છો અને જ્યારે તમે ભારતમાં લઘુમતીઓ પર હુમલા વિશે સાંભળો છો તેનું કારણ પણ આજ છે. રાહુલે કહ્યું કે, ભારતમાં નોકરીઓની મોટી સમસ્યા છે પણ વડાપ્રધાન આ મુદ્દાને જોવા માગતા નથી. સમસ્યાનું સમાધાન કરવા માટે તમારે તેને સ્વીકારવી પડશે. રાહુલ ગાંધીએ ભારતમાં અને છેલ્લા ૭૦ વર્ષમાં તેની પ્રગતિ અંગે પણ વાત કરી હતી. સંસદમાં પાછલા મહિને મોદી સરકાર પર આકરા હુમલા કર્યા બાદ રાહુલ ગાંધી પીએમ મોદીને ભેટવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે સંસદમાં હું વડાપ્રધાન મોદીને ભેટ્યો ત્યારે મારી પાર્ટીની અંદરના લોકોને જ આ વાત પસંદ પડી નહોતી. તેઓએ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીના હત્યારાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે શ્રીલંકામાં મેં મારા પિતાના હત્યારાને મૃત પડેલો જોયો ત્યારે મને અને પ્રિયંકાને સારૂ નહોતું લાગ્યુંં. મેં તેના રડતા બાળકોને જોયા હતા. લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ(એલટીટીઇ) પ્રમુખ પ્રભાકરણ રાજીવ ગાંધીનીહત્યા માટે જવાબદાર હતો. તેને શ્રીલંકાના સૈનિકોએ ૨૦૦૯માં ઠાર કર્યો હતો.
મેં મોદીને ભેટી નફરતનો જવાબ પ્રેમથી આપ્યો : રાહુલ
વડાપ્રધાન મોદીને સંસદમાં ભેટવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મેં તેમને ભેટીને નફરતનો જવાબ પ્રેમથી આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં લોકોએ નફરતને બદલે ચર્ચા કરવી જોઇએ. નફરત ફેલાવનારા ભાષણ અને રાજનીતિ કરવાના સવાલ અંગે તેમણે કહ્યું કે, ભારતીયનો અર્થ જ અહિંસક છે.
LTTE પ્રમુખના મોતથી પ્રિયંકા અને હું ખુશ નહોતા : રાહુલ ગાંધી
હેમ્બર્ગ : રાહુલ ગાંધીએ જર્મનીના હેમ્બર્ગમાં કહ્યું હતું કે, તેમના પિતા રાજીવ ગાંધીની હત્યાનો આદેશ આપનારા એલટીટીઈના પ્રમુખ પ્રભાકરણને ઠાર કરાયા બાદ હું અને પ્રિયંકા ગાંધી ખુશ નહોતા કારણ કે તેઓ માનતા હતા કે, હિંસાથી તેઓને અસર થઇ છે અને અન્યોને પણ તકલીફ પહોંચી છે જેમાં પ્રભાકરણના બાળકોનો પણ સમાવેશ થાય છે. રાહુલે કહ્યું કે હિંસાને કારણે તેમણે તેમના પરિવારના બે સભ્યોન ગુમાવ્યા. મારા દાદી ઇન્દિરા ગાંધી અને મારા પિતા રાજીવ ગાંધી બંનેની હત્યા થઇ. હું પણ હિંસાથી પીડિત છું. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, હું અનુભવને કારણે વાત કરી રહ્યો છુું. હિંસા બાદ આગળ વધવાનો માર્ગ ફક્ત માફી જ છે. તેના સિવાય કોઇ માર્ગ નથી. માફી સાથે તમારે સમજવું જોઇએ કે ખરેખર શું બન્યું હતું અને શા માટે બન્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા ગાંધીની ૧૯૮૪માં તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને એલટીટીઇના આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરાઇ હતી. ૨૦૦૯માં શ્રીલંકાના સલામતી દળોએ પ્રભાકરણને ઠાર કરી એલટીટીઇનો સફાયો કર્યો હતો. રાહુલે કહ્યું કે, આ સમસ્યાના ઉકેલ માટે આપણે અહિંસને જોવી અને સમજવી પડે. લોકો તેને નબળાઇ માને છે. પણ ખરેખર આ મજબૂતાઇ છે. ૧૯૯૧માં આતંકવાદીઓએ મારા પિતાની હત્યા કરી અને ૨૦૦૯માં શ્રીલંકાના મેદાન પર મારા પિતાના હત્યારાને મેં મૃત જોયો. મેં મારી બહેન પ્રિયંકાને ફોન કર્યો અને કહ્યું કે આ અચરજ છે અને હું ખુશ નથી. મારા પિતાના હત્યારાના મોત બાદ મારે ખુશી મનાવવી જોઇએ, પણ કોણ જાણે કેમ હું ખુશ નથી. પ્રિયંકાએ કહ્યું તું સાચો છે, હું પણ ખુશ નથી. તેનું કારણ એ છે કે, તેના બાળકોમાં હું મારૂ બાળપણ જોઇ રહ્યો હતો. ત્યારે મને ભાન થયું કે, જે રીતે હું રડ્યો હતો તેજ રીતે આ બાળકો રડી રહ્યા છે. તે ભલે હિંસક દે દુશ્મન હોય પણ તેના વિરૂદ્ધ જે હિંસા થઇ તેનાથી અન્યોને અસર થઇ છે. તેની અસર મને પણ થઇ. જો તમે ઉંડામાં જશો તો જણાશે કે આ બધું હિંસાને કારણે થાય છે. લોકો વિરૂદ્ધ જે પગલાં લેવાય છે તેનાથી હિંસા થાય છે. હિંસા સામે ફક્ત એક જ હથિયાર અહિંસાનો છે.