(એજન્સી) તા.૧૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલમાં કથિત ગેરરીતિઓ અંગે વડાપ્રધાન મોદી સામે ફરી નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે જો યુપીએ સરકારના સમયની ડીલ થઈ હોત તો વાયુસેનામાં આમૂલ પરિવર્તન આવ્યું હોત અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ) આગળ ચાલીને વધારે આત્મનિર્ભર બની હોત. રાહુલ ગાંધીએ ફેસબુકની પોસ્ટમાં એમ પણ લખ્યું કે યુપીએ સરકારના સમયે થયેલી વાતચીત મુજબ ૧૨૬ રાફેલ વિમાન ખરીદવામાં આવ્યા હોત તો વાયુસેનાએ જેગુઆર જેવા જૂના વિમાનો ઉડાડવા માટે જીવને જોખમમાં ન મૂકવું પડ્યું હોત. તેમણે કહ્યું કે યુપીએ સરકારના સમયમાં જે ડીલ અંગે ચર્ચા થઇ રહી હતી તેને પૂરી કરવાને બદલે વર્તમાન સરકારે નવેસરથી વાતચીત શરૂ કરી જેથી ક્રોની કેપિટાલિસ્ટ(સાંઠગાંઠવાળા મૂડીવાદી) ને ફાયદો પહોંચાડવામાં આવી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીએ સરકારના સમયમાં ૧૨૬ વિમાન ખરીદવાની ડીલ થવાની હતી અને જેગુઆર જેવા જૂના વિમાનોને સેવામાંથી નિવૃત કરી દેવાયા હોત. તેમણે કહ્યું કે આ સરકારમાં અનિલ અંબાણીના ફાયદા માટે સોદા પર નવેસરથી કામ કરાયું અને વિમાનોની સંખ્યા ૩૬ કરી દેવામાં આવી. આ તમામ વિમાન ફ્રાન્સમાં બનશે અને તેના બનીને આવતાં વર્ષો લાગી જશે.કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આપણા પાઈલટો જેગુઆર ઉડાડતી વખતે પોતાના જીવને દરરોજ જોખમમાં મૂકે છે. આ વિમાનોમાં ફ્રાન્સ તથા દુનિયાના બીજા ભાગોના જંકયાર્ડથી લાવેલા સ્પેરપાટ્ર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ શરમની જ વાત નથી પરંતુ વૈશ્વિક સતરે ભારતની પ્રતિષ્ઠા ઉપર પણ તે ખરાબ અસર કરે છે.