(એજન્સી) ઉજ્જૈન, તા. ૨૯
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર અંગે મોટી ભૂલ કરી છે જેના પરિણામે રાજ્ય ભડકે બળી રહ્યું છે. ચૂંંટણીવાળા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક સભાને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે, વન રેન્ક વન પેન્શન યોજના હજુ સુધી લાગુ કરાઇ નથી અને વડાપ્રધાન આ મુદ્દે જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. તેમણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે, પૂર્વ સૈનિકોનું પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું અને તેમણે કહ્યું કે, તેઓને મોદીમાં વિશ્વાસ છે પણ હવે તેઓ નિરાશ થયા છે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે, ઓઆરઓપી લાગુ થઇ ગયું છે. તેઓ તદ્દન જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. અત્યારસુધી આ યોજના લાગુ કરાઇ નથી. મોદી દાવા કરે છે પણ પૂર્વ સૈનિકો કહે છે કે, તેને લાગુ કરાઇ જ નથી. જમ્મુ-કાશ્મીરની યાદ અપાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્ય હાલ ભડકે બળી રહ્યું છે અને તાજેતરમાં જ સતત આતંકવાદીઓ દ્વારા હત્યાઓ નિપજાવાઇ રહી છે. મોદી સરકારે કાશ્મીરમાં આતંકવાદીઓ માટે દ્વાર ખુલ્લા મુકી દીધા છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓના હુમલામાં કોઇ નેતા મરતો નથી પણ સેનાના જવાનો મોતને ભેટી રહ્યા છે જેનું કારણ ફક્ત મોદીએ કરેલી ભૂલ છે.
વડાપ્રધાન સર્જિકલ સ્ટ્રાઇક, સેના અને નેવીની વાતો કરે છે પણ સૈનિકોની વાત કરતા નથી. તેઓ ફક્ત દાવા કરે છે. તેમને ફક્ત એટલું પૂછો કે ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક કરનારાઓ માટે તમે શું કર્યું. પકોડા વેચવા એ પણ નોકરી છે તેવી મોદીની ટિપ્પણી અંગે ટીખળ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો તમે પકોડા તળશો તો ભાજપ તમારી પાસેથી તેલના નાણા પણ લઇ લેશે અને તે તળેલા ભજીયા ખાશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, નાણા પ્રધાન અરૂણ જેટલીએ વિજય માલ્યાને દેશ બહાર ભગાડી દીધો છે. દેશ છોડતા પહેલા માલ્યા અને અરૂણ જેટલી વચ્ચે ૪૦ મિનિટ સુધી બેસીને વાત થઇ હતી. નાણા મંત્રીના દાયરામાં સરકારી એજન્સીઓ આવે છે અને તેમને જાણ કરવી પડે. રાહુલે સાથે જ કહ્યું કે, મોદી સરકારે દેશના નાણા લઇ જનારા માલ્યા ઉપરાંત નીરવ મોદી અને મેહૂલ ચોકસીને પણ દેશબહાર ભગાડી મુક્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છેલ્લા ૧૫ વર્ષથી છે જેણે લોકો માટે કાંઇ કર્યું નથી અને વ્યાપમ અને ઇ-ટેન્ડર જેવા મોટા કૌભાંડોમાં સંડોવાયેલી રહી છે. રાજ્ય સરકારે ક્ષિપ્રા નદી સ્વચ્છ કરવા ૪૦૦ કરોડ રૂપિયા વાપર્યા પણ કશું જ નથી થયું. પોતાની વાતને સાબિત કરવા માટે રાહુલ ગાંધી નદીના ગંદા પાણીની બોટલ સાથે લાવ્યા હતા. ઉજ્જૈનની બંધ કાપડ મિલો અંગે તેમણે કહ્યું કે, આજે કાપડ ક્ષેત્રે બાંગ્લાદેશ પણ ભારત કરતા આગળ નીકળી ગયું છે.