(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે મુંબઇમાં આરબીઆઇ બોર્ડની મહત્વની બેઠક ચાલુ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એવી આશા વ્યક્ત કરી છે કે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ અને તેમની ટીમ ઝુકશે નહીં. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે દેશની પ્રત્યેક સ્વતંત્ર સંસ્થાઓને બર્બાદ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મુક્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ઉર્જિત પટેલ અને તેમની ટીમ સ્વતંત્ર સંસ્થાઓને બર્બાદ કરવાના મોદીના પ્રયાસનો પ્રતિકાર કરશે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને સાંઠગાંઠવાળા મૂડીવાદીઓનું તેમનું જૂથ તેમના નિયંત્રણમાં આવી શકે એવી પ્રત્યેક સંસ્થાઓને બર્બાદ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે આરબીઆઇ બોર્ડની બેઠકમાં પોતાની કઠપુતળી બનેલા લોકો દ્વારા તેઓ આરબીઆઇને તબાહ કરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધીએ એવી આશા વ્યક્ત કરી કે ઉર્જિત પટેલ અને તેમની ટીમ ઝુકશે નહીં અને પીએમ મોદીને તેમનું સ્થાન બતાવશે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક પાસેથી રિઝર્વ ભંડોળ ટ્રાન્સફર કરવા સહિતના ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે આરબીઆઇ અને નાણા મંત્રાલય વચ્ચે સર્જાયેલા મતભેદો અંગે આરબીઆઇ બોર્ડની મહત્વની બેઠકમાં ચર્ચા થવાની છે.