National

‘૧૫ લાખ આપી શકતો નથી, રૂા. ૭૨૦૦૦નું વચન આપું છું’ : રાહુલ ગાંધીએ આવક યોજનાની હિમાયત કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લઘુતમ આવક યોજનાની હિમાયત કરતા એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીએ ૨૦૧૪માં લોકોના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેઓ કરી શક્યા ન હતા પરંતુ કોંગ્રેસ લઘુતમ આવક આપશે તેની ગેરંટી છે. ૧૫ લાખના વચન અંગે મોદી જુઠ્ઠું બોલ્યા હતા પણ હું જુઠ્ઠું બોલીશ નહીં. અમે એક નક્કર યોજના સાથે આવ્યા છીએ. જો તમે જુઠ્ઠાણું સાંભળવા માગો છો તો મોદી પાસે જાવ. અમે તમને ૧૫ લાખ રૂપિયા આપી શકતા નથી પણ ૭૨,૦૦૦ રૂપિયા આપી શકીએ છીએ. દરમિયાન તેમણે યુવાનો માટે રોજગારની યોજના અંગે પણ વાત કરી હતી જ્યારે નોકરીઓ અને ખેડૂતોના પતનને બદલે ટેક્ષ આતંકવાદમાંથી મુક્તિ અપાવી મુક્ત વેપાર આપવા વાયદો કર્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના યમુનાનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પોતાના ભાષણમાં તેઓએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાને ન્યાય માત્ર અમીરોને આપ્યો છે જ્યારે કોંગ્રેસ ગરીબોને ન્યાય આપશે. ન્યાય યોજનાએ પીએમને હલાવી દીધા છે. બીજેપીના ’મેં ભી ચોકીદાર’ કેમ્પેન પર હુમલો કરતાં રાહુલે કહ્યું કે, ૨૦૧૪માં કહેતા હતા મને વડાપ્રધાન ન બનાવો, મને ચોકીદાર બનાવો હવે કહે છે કે બધા ચોકીદાર છે. હિન્દુસ્તાનના બધા ચોકીદાર ઈમાનદાર છે. તમામ લોકો ’ચોકીદાર’ નહીં, કેટલાક ’ચોર’ પણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, નફરત ફેલાયા વગર તેઓ બીજું કંઈ કહી નથી શકતા. વડાપ્રધાને ૧૫ લોકોના સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફીની વાત આવે છે તો કહે છે કે અમારી પોલિસી નથી. વીમાની પોલિસી બનાવે છે તો વગર પૂછે આપના એકાઉન્ટથી પૈસા ઉપાડી લે છે. જીએસટીને લઈને પીએમ મોદી પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે, હવે દરેક વેપારી કહે છે કે ઊંઘી જાઓ નહીં તો ગબ્બરસિંહ આવી જશે. કોંગ્રેસ પાર્ટી આપને એક ટેક્સ આપી દેશે.