‘‘૫૬ ઇંચના બોક્સરે પોતાના કોચ એલ.કે. અડવાણીના મોઢા પર મુક્કા માર્યા : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થતંત્રથી લઇને કૃષિ સુધી અનેક મુદ્દાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અંગે આકરા ચાબખાં માર્યા હતા. રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા સોમવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન એવા બોક્સર છે જેઓ બેરોજગારી સામે લડવા અખાડામાં ઉતર્યા હતા પણ તેમણે તો પોતાના કોચ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર જ મુક્કા વરસાવી દીધા. હરિયાણાના ભિવાનીમાં રાહુલ ગાંધી એક સભાને સંબોધી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભિવાની ભારતની બોક્સિંગ નર્સરી તરીકે ઓળખાય છે. આ જિલ્લામાંથી અનેક બોક્સરો ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે જેમાં વિજેન્દરિસંહનો સમાવેશ થાય છે. વિજેન્દરસિંહ દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ‘‘બોક્સર પીએમ’’ પર અડવાણીને કોરાણે ધકેલવાનો આરોપ લગાવતા કહ્યું કે, મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાના ‘ચહેરા પર મુક્કા’ માર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘તમે ૫૬ ઇંચની છાતી પર ઘમંડ કરનારા બોક્સર નરેન્દ્ર મોદી બેરોજગારી, ખેડૂતોના મુદ્દા, ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ સામે મુકાબલો કરવા મેદાનમાં ઉતર્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી આ બોક્સરે ભારતના ગરીબો, નબળા વર્ગ, ખેડૂતો પર પ્રહાર કર્યા છે અને હવે લોકો કહી રહ્યા છે કે, તેમને આ બોક્સર નથી જોઇતો. તેઓ સમજી નથી શકતા કે તેઓ હવે કોની સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ત્યાં નરેન્દ્ર મોદીના કોચ અડવાણીજી અને ગડકરી જેવા ટીમના અન્ય સભ્યો પણ હતા. મોદી અખાડામાં ઉતર્યા અને તેમણે સૌથી પ્રથમ કામ અડવાણીના ચહેરા પર મુક્કા મારવાનું કર્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ અડવાણીનું અપમાન કર્યું છે. અડવાણીને મુક્કા માર્યા બાદ આ બોક્સરે નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્ષથી નાના દુકાનદારો પર મુક્કા વરસાવ્યા. તેમણે કહ્યું કે, સમગ્ર દેશ જાણે છે કે, આ નિર્ણયોથી તેમના પર કેટલી ખરાબ અસર પડી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બોક્સર પીએમ એટલેથી રોકાયા નહીં, તેમણે એવા ખેડૂતો પર પણ પ્રહાર કર્યા જેઓ લઘુતમ સમર્થન મૂલ્ય વધારવા અને લોનમાફી કરવાની માગ કરી રહ્યા હતા. ત્યારબાદ લોકો વિચારવા લાગ્યા કે આ બોક્સર શું કરી રહ્યો છે કેમ કે તેને તો ખબર જ નથી કે તેનો મુકાબલો કોની સાથે છે. હવે હારી ચુકેલો બોક્સર અખાડાની જમીન પર પડ્યો છે અને હવામાં મુકકા ચલાવી રહ્યો છે. દેશના લોકો મોદીને સત્તામાંથી બહાર કરવા માટે મતદાન કરી રહ્યા છે. તેમણે રાફેલ સોદામાં થયેલી કથિત ગેરરીતિના પોતાના આરોપનો પુનરોચ્ચાર કરતા દાવો કર્યો હતો કે, મોદીએ એક ઉદ્યોગપતિની કંપનીને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા આપી દીધા. ખેડૂતોની લોનમાફી કરાવી નહીં પણ ભાગેડુઓને નાણા આપી દીધા અને તેઓ દેશ છોડીને ભાગી ગયા. ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાંસદ શ્રુતી ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપ તરફથી હાલના સાંસદ ધરમવીરને રીપિટ કરવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts