Ahmedabad

રાહુલ ગાંધી આજથી બે દિવસ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા ઘમરોળશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૮
ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડાં પાડવા રાહુલ ગાંધીએ કમર કસી છે અને એક પછી એક રોડ-શો, સંવાદ કાર્યક્રમ, જાહેર સભા, મીટિંગો કરી પ્રજાનો કોંગ્રેસની તરફેણમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આવતીકાલથી રાહુલ ગાંધી પુનઃ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં તેઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જંગી જાહેરસભા કરી સંબોધન કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલ તા.૨૯ અને ૩૦ નવેમ્બર દરમ્યાન બે દિવસની ગુજરાતની ફરી મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળશે. આ વખતે પણ રાહુલ ગાંધી નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શકયતા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે બપોરે ૧૨-૩૦ વાગ્યે તા.૨૯મી નવેમ્બરે દિવ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરશે અને ૧-૩૦ વાગ્યે રાહુલ ગાંધીનું સોમનાથમાં સ્વાગત કરાશે અને બપોરે ૩-૦૦ વાગ્યે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોર્નર મીટીંગ કરશે. સાંજે ૪-૩૦ વાગ્યે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રાહુલની સ્થાનિકો સાથે મુલાકાત અને કોર્નર મીટીંગ અને સાંજે ૭ વાગ્યે અમરેલીમાં રાહુલ ગાંધી વિશાળ જનસભા સંબોધશે. એ પછી રાત્રિરોકાણ તેઓ અમરેલીમાં જ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, તા.૩૦મી નવેમ્બરે અમરેલીના લાઠીમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા સંબોધશે. ત્યાંથી તેઓ ઢસા પહોંચશે, જયાં તેમનું સ્વાગત થશે. એ પછી રાહુલ ગાંધી ગઢડા પહોંચશે અને ત્યાં દર્શન કરી ત્યાંથી સીધા બોટાદ પહોંચશે. બોટાદમાં તેમનું સ્વાગત થશે અને ત્યાં રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે. બોટાદ બાદ રાહુલ ગાંધી બરવાળા જશે અને ત્યાંથી વલ્લભીપુર પહોંચશે. જયાં રાહુલ ગાંધીનો સ્વાગત કાર્યક્રમ અને સ્થાનિકો સાથે મુલાકાત અને લોક સંવાદનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરના વલ્લભીપુરથી નાની ચોકડી ખાતે રાહુલ ગાંધી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. મોડી સાંજે તેઓ ભાવનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.