(સંવાદદાતા દ્વારા)
દ્વારકા, તા.રપ
ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકામાં શીશ ઝુકાવી દ્વારકાધીશના દર્શન કરી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યુ હતું. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવેલા રાહુલ ગાંધીના આગમનથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. રાહુલ ગાંધી દ્વારકાથી જામનગર સુધી ૧૩પ કિમીનો રોડ શો ખુલ્લી જીપમાં કરનાર હતા. સુરક્ષાના કારણોસર પોલીસ દ્વારા મંજૂરી ન અપાતા અત્યાધુનિક બસ મારફત તેમણે રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધી સવારે મીઠાપુર હેલીપેડ ખાતે આવી પહોંચતા તેમનું પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, મોહનસિંહ રાઠવા, સિદ્ધાર્થ પટેલ તથા જિલ્લાના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના રોડ-શો માટે શહેર પ્રમુખ રામ કણઝારિયા, વિક્રમ માડમ, મુળુ કંડોરિયા, મેરામણ ગોજિયા, પી.એસ. જાડેજા, યાસીન ગજ્જન, કાદરબાપુ, પ્રકાશભાઈ સામાણી (જિલ્લા કારોબારી સદસ્ય) તથા ઈકબાલ મનાનભાઈ, વાલાભાઈ ચોપડા, વિશાલ સોનગરા, જીમલભા માણેક સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. મીઠાપુર હેલીપેડથી તેઓ કારમાં બેસી દ્વારકા તરફ રવાના થયા હતા. દ્વારકામાં ઈસ્કોન ગેટ થઈ ભથાણચોકમાં આગમન થયું હતું. જ્યાં ૧રપ કુંવારી કન્યાઓ દ્વારા કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી ભથાણ ચોકથી નેતાઓના કાફલા સાથે ચાલી શ્રીરામ બજાર થઈ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને રોડ-શો યોજ્યો હતો, જેમાં જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. રાહુલ ગાંધી મંદિરે પહોંચ્યા ત્યારે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના વહીવટદાર ભાવિન સાગર, નાયબ વહીવટદાર હરિશ પટેલ અને શંભુભાઈ ઠાકરે તેઓનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. ગાંધી પરિવારના દ્વારકાધીશ મંદિરના વર્ષોથી તીર્થ ગોર રહેલા સુરેશ વાયડા, મીથીલેશ વાયડા તથા નૈમિષ વાયડાએ દ્વારકાધીશના ઉપવસ્ત્રથી આશીર્વાદ આપ્યા હતા. ગાંધી પરિવારની દ્વારકા મુલાકાતનો સચિત્ર ચિતાર આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તા. ૩૦-૧ર-૬૭ના રોજ ત્યારપછી તા. ર૦-પ-૭પ અને ૧૮-પ-૮૦ના રોજ તેઓ દ્વારકા આવ્યા હતા. તે પછી તા. ૧૦-ર-૯૦ના રોજ રાજીવ ગાંધીએ મુલાકાત લીધી હતી જ્યારે રાહુલ ગાંધીની દ્વારકાની આ પ્રથમ મુલાકાત છે. રાહુલ ગાંધીની જગતમંદિર ચોકથી શરૂ થયેલી પ્રચારયાત્રા શ્રીરામ બજાર, ભથાણચોક થઈને ધીરૂભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈને ગ્રામ્ય વિસ્તાર વરડિયા તથા ઓખા મઢી હાઈ-વે માર્ગ પર ગઈ હતી. જ્યાં ગ્રામીણ મહિલાઓ અને પુરૂષોને મળ્યા હતા. બપોરે ભાટિયા ગામે જાહેર સભાને સંબોધન કર્યું હતું. યાત્રામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકા મત વિસ્તારના લોકોની હાજરી નોંધનીય રહી છે. મંદિરથી રિલાયન્સ માર્ગ સુધીના વિસ્તારને કોંગ્રેસએ પ્રચાર સંસાધનો અને ધ્વજા પતાકાથી સુશોભિત કર્યા હતા.