રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર રોજગાર સર્જવા અંગે વ્યંગ કરતા બહેરીનમાં કહ્યું, ‘ચીન બે દિવસમાં જે કરી શકે છે તે ભારત એક વર્ષમાં કરી શકે’

(એજન્સી) નવી દિલ્હી,તા.૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બહેરિનમાં કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, મોદીના ર૦૧૪ના વાયદાઓ મુજબ મોદી સરકાર નોકરીઓ પેદા કરવામાં નિષ્ફળ ગઈ છે, ગાંધીએ એનઆરઆઈ સંમેલનમાં આગળ જણાવ્યું કે, ભારત હમણાં સ્વતંત્ર છે. પણ ફરિવાર તે ભયના હેઠળ છે. બે સ્પષ્ટ ભય ભારતમાં આજે અનુભવાઈ રહ્યા છે. બહેરિનમાં ભારતીયોના ખૂબ જ મોટા સમૂહને સંબોધતા ગાંધીએ કહ્યું કે, આપણો મુખ્ય હરીફ ચીન દરરોજ ર૪ કલાકમાં પ૦ હજાર રોજગારની તકો ઊભી કરે છે, જ્યારે ભારત એટલા જ સમયમાં માત્ર ૪૦૦ રોજગાર આપે છે. આ એક અગત્યના આંકડાઓ છે. જો આ વાતને બાજુ પર મૂકીએ તો જે ચીન બે દિવસમાં કરી શકે એ ભારત એક વર્ષમાં કરી શકે ? આ મારા આંકડાઓ નથી આ ભારત સરકારના આંકડાઓ છે, આ બધા આંકડાઓ સંસદમાંથી આવ્યા છે. ભારતમાં રોજગારની તકો છેલ્લા આઠ વર્ષથી નીચે છે. જ્યારે નવું રોકાણ કરવામાં પણ છેલ્લા ૧૩ વર્ષની ન્યૂનતમ સ્તર પર છે, બેન્કની ક્રેડિટ વૃદ્ધિ પણ છેલ્લા ૬૩ વર્ષથી ઓછી છે. ત્યાં બેઠેલા લોકોને ગાંધીએ કહ્યું કે ભારતમાં આ ખૂબ જ ગંભીર સમસ્યા છે અને એનઆરઆઈ સમુદાયને ટાંકતા તેમણે કહ્યું કે, તમે આ સમસ્યાનો ઉકેલ છો અને હું અહીંયા બંને વચ્ચે સંબંધ બાંધવા આવ્યો છું. ભલે તમે દુનીયાના કોઈ પણ ખૂણે કે, ભારતમાં હોવ. ગાંધીએ સરકારની નિષ્ફળતાને ટાંકતા જણાવ્યું કે, યુવાનોને શિક્ષણ અને રોજગાર આપવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે બહેરીનની પ્રથમ વિદેશયાત્રા આરંભી હતી. રાહુલ ગાંધીએ બહેરીનમાં શહેજાદા ખાલીદ બિન હમાદ અલ ખલીફા સાથે તેમના અલવાદી પેલેસ ખાતે મુલાકાત કરી હતી. અહેવાલ મુજબ બહેરિનમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કરતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રની ભાજપ સરકાર લોકોને ધર્મ અને જાતિના નામે વહેંચી રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર યુવા બેરોજગારોના ક્રોધને કોમવાદી નફરતમાં પરિવર્તિત કરી રહી છે. રાહુલે પ્રવાસી ભારતીયોને નફરત અને ભાગલાવાદી નીતિ સામે લડવામાં મદદની અપીલ કરી હતી અને આગામી છ માસમાં ‘એક ઉજ્જવળ કોંગ્રેસ પાર્ટી’ આપવાનું આશ્વાસન આપ્યું હતું. દેશમાં ચાલી રહેલી ‘ગંભીર સમસ્યા’ને લક્ષમાં રાખીને પ્રવાસી ભારતીયો પાસે મદદ માગી અને પુનર્ગઠનનો ભાગ બનવા જણાવ્યું. તેમણે વર્ષ ર૦૧૯માં બીજેપીને પોતાની શક્તિ અને ક્ષમતાના બળે હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભગવા પાર્ટી ભાજપ પોતાના ગઢ ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મહાપરાણે બચી છે. સોમવારે બહેરીન ખાતે યોજાયેલ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિનની બેઠકમાં રાહુલ ગાંધીએ પ્રવાસી ભારતીયો સમક્ષ દેશના વિકાસ મુદ્દે પોતાનો દૃષ્ટિકોણ મૂક્યો હતો. દેશમાં રોજગારી ઊભી કરી, સારી આરોગ્ય સેવાઓ તૈયાર કરવી અને શિક્ષણ પ્રણાલી બનાવવી એ તેમની પ્રાથમિકતા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નોકરીઓ આપવામાં સરકારની નિષ્ફળતાથી ભારતમાં વ્યાપક અશાંતિ ફેલાયેલી છે. એમણે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ સામે આંગળી ચીંધવી એ ખોટું છે એનાથી લોકોમાં નફરત અને હિંસા ફેલાય છે. જ્યારે આવા અપરાધો બને છે ત્યારે સરકાર મૌન ધારણ કરી લે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks