ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા કરાયેલા નાણાંમાં ૫૦ ટકાનો વધારો થયો જે ધોળા નાણાં છે : રાહુલ ગાંધીએ પીએમ મોદીની હાંસી ઉડાવી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાવેલી રકમમાં એક વર્ષમાં ૫૦ ટકાના વધારા મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ‘‘૨૦૧૪માં તેમણે કહ્યું હતું કે, સ્વિસ બેંકોમાં જમા બધું કાળું નાણું પરત લાવશે અને દરેક ભારતીયના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવશે. ૨૦૧૬માં તેમણે કહ્યું, નોટબંધી કાળા નાણાથી ભારતને મુક્ત કરી દેશે. ૨૦૧૮માં તેઓ કહે છે કે, ભારતીયોએ સ્વિસ બેંકોમાં જમા કરાવેલા નાણામાં ૫૦ ટકાનો વધારો થયો તે બધા ‘‘ધોળા’’ નાણા છે. સ્વિસ બેંકોમાં કોઇ ‘‘કાળા’’ નાણાં નથી.’’ રાહુલ ગાંધી આ સાથે એવું દર્શવવા માગે છે કે, સરકાર તેના કાર્યકાળની શરૂઆતથી અંત સુધી કાળા નાણાને સમાપ્ત કરવાની વાતો કરે છે પરંતુ તે હવે ગોલપોસ્ટ સુધી જ પહોંચી છે. રાહુલની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ જમા થયેલા નાણાને કાળા નાણાં માનવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દરમિયાન તેમણે એવું પણ કહ્યં કે, જે લોકો કાળા નાણા ઠાલવવાના દોષિત હશે તેમની સામે આકરા પગલાં લેવાશે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકાર દ્વારા કાળા નાણા પર મજબૂત ગાળિયો કસવાના દાવા કરાયા હોવા છતાં સ્વિસ બેંકોમાં રહેલા ભારતીય ખાતાધારકોના નાણામાં ગત વર્ષની સરખામણીએ ૫૦ ટકાનો વધારો થઇ ગયો છે જે વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયા છે. સ્વિતઝરલેન્ડની કેન્દ્રીય બેંકો અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતાઓમાં જમા કરાયેલા નાણા ૨૦૧૭માં ૫૦ ટકા વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧.૦૧ અબજ ફ્રેન્ક) થઇ ગયા છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતામાં ડાયરેક્ટ રાખવામાં આવેલા નાણા વધીને ૯૯.૯ કરોડ સ્વિસ ફ્રેન્ક (૬૯૦૦ કરોડ રૂપિયા) અને અન્ય માધ્યમ દ્વારા જમા કરાયેલા નાણા વધીને ૧.૬ કરોડ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૧૦ કરોડ રૂપિયા) થઇ ગયા છે. આંકડાઓ અનુસાર સ્વિસ બેંક ખાતાઓમાં વિદેશી ગ્રાહકોના કુલ ૧૪૬૦ અબજ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૦૦ લાખ કરોડ રૂપિયા)થી વધુ છે. ૨૦૧૬માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ૪૫ ટકાનો ઘટાડો થયો હતો. સૌથી વધુ વાર્ષિક ઘટાડા બાદ તે ઘટીને ફક્ત ૬૭૬ મિલિયન સ્વિસ ફ્રેન્ક (૪૫૦૦ કરોડ રૂપિયા) રહી ગયા હતા. ૧૯૮૭માં યુરોપિયન બેંકો દ્વારા ડેટા જાહેર કરવાની શરૂઆત કર્યા બાદથી આ સૌથી નીચું સ્તર હતું. એસએનબી અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં પ્રત્યક્ષ રીતે મુકાતા નાણા ૨૦૧૭માં વધીને ૬૮૯૧ કરોડ રૂપિયા થઇ ગયા હતા જ્યારે ફંડ મેનેજમેન્ટના માધ્યમથી મુકાનારા નાણા ૧૧૨ કરોડ રૂપિયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks