(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
એલઓસી પર આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ તોડીનાખવા માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક વધુ પડતી ચગાવવામાં આવી હોવાનું સૈન્યના ભૂતપૂર્વ કમાન્ડર (નિવૃત્ત) ડીએસ હુડ્ડાએ આકરી ટિપ્પણી કર્યા બાદ કોંગ્રેસ તરફથી સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટિ્વટમાં નિવૃત્ત કમાન્ડર હુડ્ડાના વખાણ કર્યા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કટાક્ષ પણ કર્યા છે. લેફ્ટ.જનરલ હુડ્ડાની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ શનિવારે ટિ્વટમાં લખ્યું કે અંગત સંપત્તિ તરીકે આપણી સેનાનો ઉપયોગ કરવામાં મિસ્ટર ૩૬ને કોઇ શરમ આવતી નથી. વડાપ્રધાને સર્જિકલ સ્ટ્રાઇક્સનો રાજકીય લાભ માટે અને અનિલ અંબાણીની રીયલ કેપિટલ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી વધારવા માટે રાફેલ સોદાનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધીએ ટિ્વટમાં લેફ્ટ.જનરલ હુડ્ડાના વખાણ કરતા લખ્યું છે કે જનરલ હુડ્ડા તમે એક સાચા સૈનિકની જેમ બોલી રહ્યા છો. ભારતને તમારા પર ગર્વ છે. નોંધનીય છે કે ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇક્સ વખતે જનરલ હુડ્ડા ઉત્તરીય કમાન્ડના પ્રમુખ હતા. જનરલ હુડ્ડાએ જણાવ્યું છે કે સર્જિકસ સ્ટ્રાઇક્સનો આટલો પ્રચાર કરવાની જરૂર ન હતી. તેમણે એવું પણ કહ્યું કે મને લાગે છે કે આનો કંઇક વધુ જ પ્રચાર કરવામાં આવ્યો છે.