અમદાવાદ,તા. ૩૦
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તા.૪થી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇ ગુજરાત કોંગ્રેસમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ ગાંધીની મુલાકાત અને તા.૪થીના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસમાં બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરી જરૂરી રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ કરવાની તાકીદ કરાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા.૪થી સપ્ટેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પંચાયતી રાજના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ હાજર રહેવાના છે. તેમની મુલાકાતને લઇ કોંગ્રેસ દ્વારા અત્યારથી રાજયના જિલ્લા-તાલુકા કક્ષાએથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો-નેતાઓને આમંત્રિત કરાયા છે. કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભારે કમર કસી છે. તા.૪થી સપ્ટેમ્બરની રાહુલ ગાંધીની મુલાકાત બાદ તા.૨૧થી તા.૨૬ સપ્ટેમ્બર દરમ્યાન રાહુલ ગાંધી ગુજરાતના બે ઝોનમાં ત્રણ-ત્રણ દિવસનો પ્રચાર કરશે. સૌરાષ્ટ્રના દ્વારકા ખાતેથી રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રચારની વિધિવત્ શરૂઆત કરે તેવી શકયતા છે. એ પછી તા.૨ ઓકટોબરથી તા.૭ ઓકટોબર સુધી બીજા દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી રાજયના બીજા બે ઝોનમાં ત્રણ-ત્રણ દિવસનો ચૂંટણી પ્રચાર કરશે. જયારે તા.૮મી ઓકટોબરે યોજાનારા વિશાળ સંમેલનમાં ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, યુવાનો સહિતના પ્રશ્નોને વાચા આપશે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારને લઇ રાહુલ ગાંધીના સપ્ટેમ્બર અને ઓકટોબર એમ બે મહિના દરમ્યાન કુલ ૧૪ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધીના પ્રચાર કાર્યક્રમ અને આગામી મુલાકાતને લઇ આજે પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં રાહુલ ગાંધીની મુલાકાત અને કાર્યક્રમને લઇ સમગ્ર રૂપરેખા અને આયોજન નક્કી કરવામાં આવ્યા હતા.