નવી દિલ્હી, તા. ૨૫
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વંશવાદી રાજકારણની ટીપ્પણી સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે પ્રહાર કર્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને વડાપ્રધાન પોતાના દેખાવથી આ સ્તરે પહોંચ્યા છે. સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ બર્કલીની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભારતમાં વંશવાદી રાજકારણ મુશ્કેલી છે પરંતુ અમારા પક્ષે આ બાબતે ઘણું ધ્યાન રાખ્યું છે. જ્યારે અમિત શાહે જણાવ્યું હતું કે, અમારો પક્ષ કામમાં વિશ્વાસ રાખે છે અને કોંગ્રેસ વંશવાદી તથા ખુશામતનું રાજકારણ કરે છે. આ દરમિયાન શાહે ન્યૂ ઇન્ડિયા માટે કામ કરવા કહ્યું હતું અને કેન્દ્ર સરકારની પહેલને સમગ્ર ભારતમાં ફેલાવવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના ન્યૂ ઇન્ડિયાન વીઝનને સહકાર આપવા માટે તેમણે કોર્પોરેટ સભ્યોને પણ આહ્વાન કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર સતત ગરીબો માટે કામ કરી રહી છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત પણ કરી હતી કે, ભાજપના કાર્યકરો ૩-૧૭ ઓક્ટોબર દરમિયાન પદયાત્રા કરી કેરળના લોકોને મળશે.
આ દરમિયાન મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે. ભાજપની પ્રથમ પ્રસારણવાળી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ૧૩ મુખ્યમંત્રીઓ, ૧૪૦૦ ધારાસભ્યો, ૨૮૦ સાંસદો અને ૨૫૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.