રાહુલ ગાંધી સંભવતઃ ર૪ નવેમ્બરે અમદાવાદમાં : રોડશો-સંવાદ, સભા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૦
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.ર૪ નવેમ્બરના રોજ પુનઃ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ ત્રણ દિવસનો ચૂંટણી પ્રચાર નહીં કરે પરંતુ માત્ર અમદાવાદની મુલાકાત લેશે અને રોડ શો, બૌધ્ધિકો સાથે સંવાદ અને જાહેરસભા કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે જોરદાર અને પ્રચંડ જોશથી લડવાનું કોંગ્રેસે મન બનાવ્યું છે અને તેના માટે પોતાના સ્ટાર પ્રચારકો થકી ગુજરાતમાં કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાની જબરદસ્ત કવાયત હાથ ધરી છે. જેમાં આ વખતે મુખ્ય સુકાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. સમગ્ર ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડયા બાદ હવે રાહુલ ગાંધી ચૂંટણીની ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે તા.૨૪મી નવેમ્બરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતે તેમની મુલાકાતનું મુખ્ય કેન્દ્ર સ્થાન અમદાવાદ હશે અને અહીં શહેરમાં તેમનો ભવ્ય અને વિશાળ રોડ શો પણ યોજાય તેવી પણ શકયતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસાર માટે રાહુલ ગાંધીએ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી પ્રવાસ ખેડી જાહેરસભાઓ, લોકસંવાદ અને વન ટુ વન લોકોને મળી કોંગ્રેસ તરફી ભારે લોકજુવાળ ઉભો કર્યો હતો. રાહુલ ગાંધીના આ ચૂંટણી પ્રવાસને અભૂતપૂર્વ અને જબરદસ્ત પ્રતિસાદ અને સફળતા સાંપડયા હતા, તે તેમની જાહેરસભા અને રોડ શોમાં સ્વયંભુ ઉમટેલી જનમેદની પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું. જેથી કોંગ્રેસે રાહુલ ગાંધીની વધતી જતી લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના પ્રચારની સફળતા બાદ હજુ વધુ એક વખત તેમને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ લાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. સંભવત : રાહુલ ગાંધી તા.૨૪મી નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવશે અને અહીં શહેરમાં ભવ્ય અને વિશાળ રોડ શો યોજી લોકો સાથે ખાસ કરીને ડોકટરો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યવસાયિકો સીધો સંવાદ કરશે. અમદાવાદની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધી આ વખતે પણ નોટબંધી, જીએસટી ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ, બેરોજગારી, મહિલાઓ, ખેડૂતો સહિતના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી પૂરી શકયતા છે. રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમ્યાન સાણંદમાં દલિતોના એક કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી શકયતા છે. રાહુલ છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો પોરબંદરની પણ મુલાકાત લે તેવી શકયતા સેવાઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts