રાહુલ ગાંધી મોદી સરકાર પર તીક્ષ્ણ પ્રહારો કર્યા બાદ PM ભેટ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સંસદમાં શુક્રવારનો દિવસ ખાસ રહ્યો હતો જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલા ભાજપ તથા પીએમ મોદી પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રહાર કર્યા હતા અને પોતાનું ભાષણ સમાપ્ત થયા બાદ તરત જ પીએમ નરેન્દ્ર મોદી પાસે જઇ તેમને ભેટી પડ્યા હતા તથા પરત પોતાના સ્થાને આવી પક્ષના સાથી તરફ આંખ મિચકારી હતી. આ ઘટનાથી સંસદમાં આશ્ચર્ચ સાથે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આશરે એક કલાક સુધી સરકાર પર પોતાના આકરા પ્રહારો ચાલુ રાખ્યા બાદ ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘‘તમે મારી સાથે ગાળાગાળી કરી શકો છો, તમે મને પપ્પુ કહી શકો છો, પણ હું તમારી સામે નફરતભરી વાણીનો ઉપયોગ નહીં કરૂં, આ એક હિંદુ તરીકેની છાપ છે.’’ બીજી તરફ ભાજપે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે જેવી ચર્ચા ચાલુ થઇ કે સંસદમાં સાંસદોની સંખ્યા ઘટવા લાગી હતી અને સરકારની ત્રીજા ભાગના સાંસદોનો ટેકો લેવાની મનશા સામે અંતર વધી ગયું હતું. નવીન પટનાયકના બીજું જનતા દળે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું જ્યારે અંતિમ ઘડીએ શિવસેનાના સાંસદો અળગા રહ્યા હતા.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા ચાબખાં માર્યા હતા જેમાં રાફેલ સોદા વિશે તેમણે કહ્યું કે, તેઓ ચોકીદાર નહીં પણ ભાગીદાર છે. બધા જ જાણે છે કે, પીએમના આવા ઉદ્યોગજગતના લોકો સાથે સારા સંબંધ છે. રાફેલનો સોદો એક એવા વ્યક્તિને અપાયો છે જેનાથી તે હજારો કરોડો રૂપિયાનો ફાયદો મેળવી ગઇ છે. હું જોવું છું કે, પીએમ સ્મિત વેરી રહ્યા છે પણ તે તેમની હતાશા દર્શાવે છે અને હવે તેઓ મારી આંખોમાં આંક નાખીને જોઇ શકતા નથી.
૨. રાહુલ ગાંધી આ ઉપરાંત રાજકીય હથિયારને ‘જુમલા હુમલો’ અંગે બોલ્યા હતા. આ એક મોટી ખુશી, આઘાતની લાગણી અને પછી આઠ કલાકના લાંબા ભાષણના લક્ષણો છે. તેમનું આ ભાષણ વિરોધ કરી રહેલા ભાજપના સભ્યોને હરાવવા માટે હતું જોકે, અધ્યક્ષે ત્યારબાદ કેટલીક મિનિટ સુધી સભા મોકૂફ કરી હતી.
૩. ભાજપ પાસે અવિશ્વાસ મતની કસોટીમાં પાસ થવા માટે પૂરતું સંખ્યાબળ છે. પરંતુ પાર્ટીને આશા હતી કે, તે બે તૃતિયાંશ બહુમતીથી આ વિશ્વાસ મત જીતે જેને તે પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ઉપયોગમાં લઇ શકે.
૪. બીજેડીના વોકઆઉટ અને શિવસેના અળગું રહેતા લોકસભાના સભ્યોની સંખ્યા ઘટીને ૪૯૫ રહી ગઇ હતી. બહુમતી માટે ત્યારબાદ ૨૪૯નો આંકડો રહી ગયો હતો. સરકારને ૩૩૧ મતોની આશા હતી જેમાં એઆઇએડીએમકેનો પણ સમાવેશ થાય છે. સરકાર સામે અવિશ્વાસ લાવનારા વિપક્ષોને ૧૫૪ મતો મળે તેવી શક્યતા રહી હતી.
૫. વડાપ્રધાન મોદીએ આ પહેલા લખ્યું હતું કે, સંસદમાં ચર્ચા બાધામુક્ત હોવી જોઇએ. આપણે દેશા લોકો અને બંધારણના ઘડવૈયાઓ માટે આ ચર્ચા કરી રહ્યા છીએ. ભારત આપણા પર બારીકાઇથી નજર રાખશે.
૬. શિવસેનાનો સરકારને સમર્થન છે તેવા સરકારા દાવા છતાં ઉદ્ધવ ઠાકરેના અંતિમ સમયના સંકેત બાદ પાર્ટીના સાંસદોએ ચર્ચાથી અલગ રહેવાનું નક્કી કર્યું હતું. શિવસેનાના સાંસદ આનંદરાવ અદસુલે કહ્યું હતું કે, અમે સંસદીય કામનો બહિષ્કાર કરી રહ્યા છીએ અને હાજરીપત્રકમાં સહી કરી નથી. ગઇકાલે અમિત શાહના કોલ લિસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનું નામ હતું.
૭. દરમિયાન કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ અવિશ્વાસનો મત છે અને દરેક સભ્યને મોટા મુદ્દા પર બોલવા માટે અડધો કલાક આપવો જોઇએ.
૮. તેમણે મંત્રી અનંતકુમારને સંબોધીને કહ્યું કે, મને આશા છે કે, વિરોધી પાર્ટીઓ અમને પણ સાંભળવાની ઇચ્છાશક્તિ દેખાડશે. રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે કે, જ્યારે તે બોલશે ત્યારે ભૂકંપ આવશે અને તે આવશે જ પરંતુ કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધનને તેઓ જોડવાનો પ્રયાસ કરે છે.
૯. આ અવિશ્વાસ પ્રસ્તાવ ખાસ કરીને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યોને દરજ્જો અને રાજ્યને વધુમાં વધુ નાણાકીય સહાય મળે તે માટે હતો જેને બુધવારે સંસદમાં લવાયો હતો.
૧૦. અંતિમ ઘડીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાર મુકવાની આરોપી ભાજપનું વલણ ધીમે-ધીમે બદલાયું હતું. પાર્ટીનું એવું માનવું હતું કે, એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ આવશે અને પ્રસ્તાવ પડી ભાંગશે ત્યારે સંસદમાં કોઇ વિઘ્ન વિના કાર્યવાહી ચાલશે.

રાહુલ ગાંધીએ કહ્યું ‘હું તમારા માટે ‘પપ્પુ’ હોઇ શકું, તમે મને નફરત કરો, પણ હું તમારૂં સન્માન કરૂં છું કારણ કે, હું કોંગ્રેસ છું’ અને પીએમ મોદીને ‘જાદુ કી ઝપ્પી’ આપી


કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં શુક્રવારે બધાને ચોંકાવી દીધા હતા જ્યારે તેઓ અવિશ્વાસ મતની ચર્ચા દરમિયાન ભાજપની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહાર બાદ તરત જ વડાપ્રધાન મોદી પાસે જઇને તેમને ભેટી પડ્યા હતા. પોતાના આકરા ભાષણના અંતમાં તેમણે કહ્યું કે, ‘‘તમારી વિરૂદ્ધ મને નફરત કે ખરાબ ભાવના નથી. તમે મારી સાથે નફરત કરી શકો, તમે મને ‘પપ્પુ’ બોલાવી શકો. પણ હું તમને પ્રેમ કરૂં છું અને સન્માન કરૂં છું કારણ કે હું કોંગ્રેસ છું.’’ બાદમાં તેઓ સત્તાધારી બેઠકો તરફ ધસી ગયા હતા અને પીએમ મોદીને ભેટી પડ્યા હતા જેનાથી મોદી પોતે પણ આશ્ચર્ચમાં પડી ગયા હતા. પહેલા તો પીએમ થોડા ખચકાયા અને તેમને પરત જવા કહ્યું અને તેમની સાથે હાથ મિલાવ્યા બાદમાં તેમની પીઠ થાબડી હતી. આ દરમિયાન તેઓની વચ્ચે શબ્દોની આપ-લે થઇ હતી. રાહુલ ગાંધીના આ પગલાંને વિરોધ પક્ષોના સભ્યોએ વધાવી બેંચ થપથપાવીને આવકાર આપ્યો જ્યારે અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે આવી બાબત ગૃહના કાયદા વિરૂદ્ધ છે. તાજેતરમાં કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી ગણાવવા અંગે પીએમ મોદી અને ભાજપ દ્વારા વિવાદ સર્જ્યા બાદ રાહુલ ગાંધીનું મોદીને ભેટી પડવું સાંકેતિક છે. જ્યારે રાહુલ મોદી તરફ ગયા ત્યારે મોદી પોતાની સીટ પર બેઠા હતા. કાંઇક બોલ્યા બાદ રાહુલ ગાંધી તેમને ભેટી પડ્યા હતા અને આશ્ચર્ય જગાવ્યું હતું જોકે, મોદી પોતાની સીટ પર જ બેસી રહ્યા હતા.

અવિશ્વાસ પ્રસ્તાવ ભાષણ સાથે શું રાહુલ ગાંધીએ ખરેખર ‘ભૂકંપ’ લાવી દીધો ?

શુક્રવારે લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાહુલ ગાંધીએ સવારે સંસદમાં ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘ભૂકંપ આવનાર છે’. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી પર વિદેશ પ્રવાસ, નોટબંધી, જીએસટી, રાફેલ સોદો અને સૂટ-બૂટ કી સરકારની ટીપ્પણી સાથે અસંખ્ય વાર કર્યા હતા. તેમના ભાષણ બાદ ટિ્‌વટરાતીઓએ ચુકાદો આપતા પુછ્યું હતું કે, શું રાહુલ ગાંધી ખરેખર ભૂકંપ લઇ આવ્યા. રાહુલ ગાંધીએ મોદી સરકારના જુઠ્ઠા વાયદા અને જુમલાથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, તમે ૨૧મી સદીના રાજકીય હથિયારના પીડિત છો તમે એકલા નથી, આ રાજકીય હથિયારને જુમલા હથિયાર કહેવાય છે. ઘણા જુમલાની કટાક્ષ કર્યા બાદ રાહુલ જીએસટી તરફ વળ્યા હતા અને પીએમ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ સૂટ-બૂટમાં ફક્ત ઉદ્યોગપતિઓને મળે છે અને નાના વેપારીઓ પર ધ્યાન આપતા નથી. દરમિયાન પીએમ મોદી સંસદના એક છેડે બેઠા હતા. રાહુલે નોટબંધી, બેરોજગારી, ખેડૂતો પ્રત્યે ઉદાસિનતા અને પીએમ મોદી નાના વેપારીઓને લૂંટી રહ્યા હોવાના ટોણામાં કેટલાકમાં આંકડાકીય માહિતી આપી જ્યારે કેટલાકમાં નહીં. પીએમ મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવા કહ્યું હતું પણ ફક્ત ચાર લાખને નોકરી મળી. જ્યારે ચીનમાં દર ૨૪ કલાકે ૫૦,૦૦૦ યુવાઓને નોકરી મળે છે. ભારતમાં ૪૦૦ યુવકોને પીએમ મોદી પકોડા બનાવવાની દુકાન ખોલવાનું કહે છે. તેઓ અમિત શાહના પુત્ર જય શાહ વિશે મૌન ધારણ કરીને બેઠા છે.યુપીએ સરકારમાં કરાયેલા રાફેલ સોદામાં પ્રત્યેક વિમાન ૫૨૦ કરોડમાં પડી રહ્યું હતું જ્યારે મોદી સરકારમાં જાદુઇ રીતે તેની કિંમત ૧૬૦૦ કરોડ થઇ ગઇ. આ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, ફ્રાન્સ સાથે સમજૂતી હોવાથી આ સોદાની વિગતો આપી ન શકાય. જોકે, મેં ઇમેન્યુઅલ મેકરોન સાથે વ્યક્તિગત વાત કરતા તેમણે કહ્યું કે આવી કોઇ સમજૂતી નથી થઇ. વિરોધ વધતા નિર્મલા સીતારમણ પીએમ મોદીના દબાણમાં જુઠ્ઠું બોલ્યા હતા. આ નિવેદનથી સીતારમણ ગિન્નાયા હતા. રાહુલે કહ્યું ડોકલામ મુદ્દે ચીન સાથે સોદા અંગે મોદીએ પોતાની સેનાને જ છેતરી છે. તેમના મંત્રીઓ લિન્ચિંગના દોષિતોનું સન્માન કરે છે જ્યારે દલિતો, મહિલાઓ અને લઘુમતીઓને નિશાન બનાવાય ત્યારે મૌન બને છે.

મોદીને ભેટ્યા બાદ આંખ મારી, ટિ્‌વટર રાહુલ પર વારી ગયું

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા બાદ ઓચિંતા વડાપ્રધાન પાસે જઇને તેમને ભેટી પડ્યા હતા. રાહુલના આ પગલાથી લોકસભામાં ઉપસ્થિત બધા સભ્યો સાથે વડાપ્રધાન પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ પાછા જઇને પોતાની સીટ પર બેસી ગયા બાદ પાસે બેઠેલા સાથી સાંસદોને ડાબી આંખ મારીને કંઇક ઇશારો કર્યો હતો. રાહુલના આંખ મારવા પર સોશિયલ મીડિયા ઓળઘોળ થઇ ગયું છે. ટિ્‌વટર પર તો જેમ કે રાહુલ ગાંધીના નામનું પૂર આવી ગયું. લગભગ બધી જ ચેનલો પર રાહુલ ગાંધીના મોદીને ભેટવા અને ત્યાર પછી આંખ મારવાની ક્લિપિંગ્સ વાયરલ થઇ ગઇ છે.
– અંકુર સિંહે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે રાહુલ ગાંધીની આ હરકતથી યુવા અભિનેત્રી પ્રિયા પ્રકાશની યાદ આવી ગઇ. પ્રિયા પ્રકાશે આંખમારી સોશિયલ મીડિયાને ઘેલું લગાડ્યું હતું.
– ગૌતમ જોશીએ લખ્યું કે ઓહ છોકરો, રાહુલ ગાંધી આંખ મારી શકે છે અને તે પણ પ્રિયા પ્રકાશ કરતા બહેતર, મુન્નાભાઇ કરતા બહેતર રીતે જાદૂની ઝપ્પી આપી શકે છે.
– ડો. કુમાર વિશ્વાસે લખ્યું કે અરે છોડી પણ દો ! થોડું ક મન મોટું રાખો ! આંખ જ તો મારી છે નહિંતર આ ગૃહોમાં શું-શું મારવામાં આવ્યું છે, દેશને ખબર છે.
– આકાશ સિંહાએ ટિ્‌વટર પર લખ્યું કે પ્રિયા પ્રકાશથી વધુ સારી આંખ તો રાહુલ ગાંધીએ મારી છે

સંસદને ‘ગેરમાર્ગે’ દોરવા બદલ રાહુલ ગાંધી વિરૂદ્ધ
ભાજપ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે

રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર અત્યંત આકરા પ્રહાર કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, ભાજપ રાહલ ગાંદી વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ રાહુલ ગાંધી વિરૂદ્ધ પાયા વિનાની ખોટી વાતો અને સંસદને ગેરમાર્ગે દોરવા બદલ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે. તેમનું વર્તન બાળક જેવું હતું. તેઓની ઉંમર વધી ગઇ છે પણ કમનસીબે વિકાસ નથી થયો. કોંગ્રેસ અધ્યક્ષ ખોટી માહિતી ધરાવે છે અને અપરિપકવ છે. ભાષણના અઁતે રાહુલની પીએમને ઝપ્પી ખરેખર બિરદાવવા જેવી નહોતી.

શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન
ભાજપનો સાથ છોડ્યો, સંસદનો બહિષ્કાર કર્યો

લોકસભામાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં એક સૌથી મોટો ભાગીદાર શિવસેનાએ સંસદીય કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેતા એનડીએમાં અસંતોષ અને તિરાડ જોવા મળી હતી. શિવસેનાના સાંસદ આનંદરાવ અડસુલે જણાવ્યું કે અમે આજે સંસદીય કાર્યવાહીનો બહિષ્કાર કરી રહ્યા છીએ, સંસદમાં અમારી હાજરી પણ ભરી નથી. તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ સાથે અમારે કોઇ લેવાદેવા નથી. અમારા પક્ષના પ્રમુખે જણાવ્યું કે અમે પ્રજાના પ્રતિનિધિઓ છીએ અને અમે ગૃહમાં તેમ જ ગૃહની બહાર તેમના માટે લડત ચલાવીએ છીએ. તેમણે એવું પણ જણાવ્યું કે શિવસેના જ્યારે લોકો વિશે વાત કરે છે ત્યારે કોઇ પણ પક્ષ તેને સમર્થન આપતો નથી.

રાહુલ ગાંધી મોદી પર વરસ્યા, તેમને ‘ચોદીદાર’ નહીં ‘ભાગીદાર’ ગણાવ્યા

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી પર પ્રહારો દરમિયાન રાફેલ સોદાની યાદ અપાવતા કહ્યું કે, દરેક એરક્રાફ્ટની કિંમત જાદુઇ રીતે વધીને ૫૨૦ કરોડ રૂપિયાથી ૧૬૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી જેનાથી ફક્ત એક જ ઉદ્યોગપતિને ફાયદો થયો, તેમણે બાદમાં પીએમને સોદામાં ‘‘ચોકીદાર’ ’ નહીં ‘‘ભાગીદાર’’ ગણાવ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓના પ્રચાર દરમિયાન મોદીએ સત્તા મેળવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પોતાને દેશના ‘ચોકીદાર’ ગણાવ્યા હતા. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેકરોન સાથેની બેઠકને યાદ કરતા રાહુલે કહ્યું, જે રીતે નિર્મલા સીતારમણે કહ્યું તેવી ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર ગુપ્ત રાખવા કોઇ સમજૂતી નથી થઇ. મેં ફ્રાન્સના પ્રમુખને પુછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે આવી કોઇ સમજૂતી નથી થઇ. વડાપ્રધાનના દબાણ હેઠળ સંરક્ષણ મંત્રી જુઠ્ઠું બોલ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts