(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની ત્રણ દિવસીય યાત્રા કરી દિલ્હી જવા રવાના થઈ ગયા છે પરંતુ તેમની આ યાત્રાએ ભાજપના પેટમાં બરાબરનું તેલ રેડ્યું છે જે તેમના નિવેદનો પરથી વર્તાઈ રહ્યું છે. ખાસ કરીને રાહુલ ગાંધીની યાત્રાને ઠેર-ઠેર મળેલ જન સમર્થન અને ખેડૂતો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરેને રૂબરૂ મળી તેમની સાથે સંવાદ કરી તેઓના દિલ જીતી લીધા હતા પરિણામે ભાજપ ભીંસમાં મૂકાઈ ગયું છે.
સૌરાષ્ટ્ર ઝોનના સફળ પ્રવાસ બાદ રાહુલ ગાંધી આગામી ઓક્ટોબર માસમાં મધ્યઝોનના ચૂંટણી પ્રવાસ માટે આવશે અને સૌરાષ્ટ્રની જેમ આ પ્રવાસને પણ કઈ રીતે સફળ બનાવવો તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા માઈક્રો પ્લાનિંગ હાથ ધરાયું છે અને કયા રૂટ પર રોડ શો, સંવાદ, વાર્તાલાપ કરવો, ખેડૂતો, વેપારીઓ, લઘુ ઉદ્યોગકારો, મહિલાઓ, વિદ્યાર્થીઓ સાથે કયા મુદ્દે ચર્ચા કરવી તેની યાદી તૈયાર કરાઈ રહી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં કોંગ્રેસના ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસના રાહુલ ગાંધીએ તા.૨૫થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન સૌરાષ્ટ્ર પંથકના વિવિધ વિસ્તારોમાં જાહેરસભા, લોકસંવાદ, વાર્તાલાપ અને રોડ-શો સહિતના કાર્યક્રમો મારફતે ખેડૂતો, મહિલાઓ, યુવાવર્ગ, નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગકારોને કોંગ્રેસના ચૂંટણી વચનો અને આશ્વાસનો આપ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી માટે ખાસ હાઇફાઇ અને લેટેસ્ટ ટેકનોલોજી તેમ જ સીસીટીવી કેમેરા સહિતના સુરક્ષા ઉપકરણોથી સજ્જ લક્ઝરી બસ તૈયાર કરવામાં આવી હતી, જેનો સારો એવો ઉપયોગ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રચાર દરમ્યાન કર્યો હતો. ગઇકાલે પોતાનો ત્રણ દિવસનો ચૂંટણી પ્રવાસ પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી આજે સવારે દિલ્હી જવા રવાના થયા હતા. દરમ્યાન હવે ઓકટોબર મહિનામાં રાહુલ ગાંધી ફરી ગુજરાત મુલાકાત આવે તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે. તા.૯થી ૧૧ ઓકટોબર દરમ્યાન રાહુલ ગાંધી રાજયના મધ્ય ઝોનના સમગ્ર વિસ્તારો ચૂંટણી પ્રવાસના ભાગરૂપે ખૂંદી વળશે. મધ્ય ઝોનના વિસ્તારોમાં પણ રાહુલની જાહેરસભાઓ, લોકસંવાદ અને રોડ શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. આ માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા શરૂ કરી તેના આયોજનની તૈયારીઓ આરંભી છે.