(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૪
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની જોરશોરથી શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંવાદ કાર્યક્રમ બાદ આવતીકાલથી સૌરાષ્ટ્રઝોનનો ત્રણ દિવસનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. તે માટે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાઈ છે. રાહુલ ગાંધીના રોડ-શો માટે ખુલ્લી જીપમાં પરવાનગી ન મળતા બુલેટપ્રુફ વાહનમાં રોડ-શો કરે તેવી શકયતા છે. રાહુલ ગાંધી દ્વારકા ખાતે તેમના પ્રવાસનો દર્શન કરી પ્રારંભ કરશે. રાહુલ ગાંધી માટે ખાસ તૈયાર કરાયેલી હાઇફાઇ અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લક્ઝરી બસનો પણ ઉપયોગ થાય તેવી શકયતા છે. આવતીકાલ તા.૨૫મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી તેમની ચૂંટણી પ્રવાસની યાત્રાનો પ્રારંભ કરશે. જયાં કલ્યાણપુર, ભાટિયા અને ખંભાળિયામાં લોકોને મળશે. ત્યારબાદ જામનગર પહોંચશે, જયાં વિશાળ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ચાંદીબજારમાં રાહુલ ગાંધી સ્થાનિક વેપારીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરશે. તા.૨૫મીએ જામનગરમાં રાત્રિરોકાણ કર્યા બાદ તા.૨૬મીએ ધ્રોલ, લતીપુર થઇ તેઓ મોરબીના ટંકારા પહોંચશે. ટંકારામાં રાહુલ ગાંધી સ્થાનિક ખેડૂતોને સંબોધન કરશે. ત્યાંથી તેઓ સીધા રાજકોટ આવશે અને ત્યાં અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. તા.૨૭મીએ તેઓ બામણબોર થઇ ચોટીલા જશે અને ત્યારબાદ જસદણ, આટકોટ થઇને વિરપુર જલારામ મંદિરે દર્શન કરી ત્યાંથી ખોડલધામ મંદિરે દર્શન કરી જેતપુરમાં જાહેરસભા સંબોધશે. ત્યાર બાદ સુરેન્દ્રનગર, વિરમગામ થઇ અમદાવાદમાં પ્રવાસની પૂર્ણાહુતિ કરશે. આ સમગ્ર ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી ભાજપ સરકારની નિષ્ફળતાઓ, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉજાગર કરશે અને કોંગ્રેસની સત્તા આવશે તો પ્રજાલક્ષી ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના તેમ જ લઘુઉદ્યોગને લગતી પ્રોત્સાહક નીતિઓ અમલમાં લાવશે તેની પ્રજાને હૈયાધારણ આપશે. રાહુલ ગાંધીના આ રોડ શો અને ચૂંટણી પ્રવાસને લઇને જ કોંગ્રેસ દ્વારા સૌપ્રથમવાર રાહુલ ગાંધી માટે વિશેષ હાઇફાઇ લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધીના આ ચૂંટણી પ્રવાસની જવાબદારી કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને સોંપવામાં આવી છે.