(એજન્સી) ગોવા, તા.ર૮
ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે રજાઓ ગાળવાને લઈને ગત કેટલાક વર્ષોથી રાહુલ ગાંધી ચર્ચામાં રહેતા હતા, પરંતુ આ વર્ષે ભૂમિકા બદલાઈ જતાં જ સોનિયા ગાંધી રજાઓ ગાળી રહ્યા છે. તેમની એક તસવીર સામે આવી છે, જેમાં તે ગોવામાં સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. ૧૯ વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેનાર સોનિયા ર૬ ડિસેમ્બરથી ગોવામાં છે અને જાન્યુઆરીના પહેલાં સપ્તાહ સુધી તે ત્યાં રહેશે.
રાહુલ ગાંધી જ્યાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત અને હિમાચલ ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષામાં વ્યસ્ત છે. તો બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી મુક્ત થયા બાદ સોનિયાએ રજાઓ ગાળવાનો નિર્ણય કર્યો છે તે દક્ષિણ ગોવાની લીલા હોટલમાં રહે છે. ગોવાની આ પ્રોપર્ટીમાં લોકોની ગુપ્તતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. ગોવામાં રજાઓ ગાળી રહેલ સોનિયા ગાંધી ખૂબ જ રાહત અનુભવતા જોવા મળ્યા. તે રિસોર્ટમાં સાઈકલ ચલાવતા અને પર્યટકો સાથે વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન તેઓ ત્યાં હાજર અન્ય મહેમાનો અને પર્યટકોની સાથે સેલ્ફી લેતાં નજરે પડ્યાં.
સોનિયા ગાંધીને જોતાં એવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન પોતાના પુત્ર રાહુલને આપ્યા બાદ તે ખૂબ જ ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી ખૂબ જ લાંબા સમયથી નિવૃત્તિ લેવા ઈચ્છતા હતા. તે પોતાના પુત્ર પાસે સતત માગણી કરી રહ્યા હતા કે તેમને આરામ કરવો છે. એવામાં તેમનું પદ તે સંભાળી લે.
કોંગ્રેસ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ જ્યાં રાહુલ ગાંધી પ્રતિનિધિઓ અને પાર્ટી નેતાઓને મળવામાં વ્યસ્ત હતા ત્યાં બીજી તરફ સોનિયા ગાંધીએ પોતાની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે ખાન માર્કેટ જઈને ત્યાંથી ક્રિસમસ અને નવા વર્ષના કેટલાક કાર્ડસ અને સ્ટેશનરીની ખરીદી કરી.
સોનિયા ગાંધી આ પહેલાં પણ ગોવાની લીલા હોટલમાં રજાઓ ગાળતા નજરે પડ્યા છે. જ્યારે દિલ્હી પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું હતું. ત્યારે પણ તેણીની ત્યાં ગઈ હતી. સોનિયા ગાંધીને અસ્થમાની બીમારી છે. એવામાં તેમના ડોક્ટરોએ તેમને દિલ્હીથી બહાર જવાની સલાહ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી કેટલાક ગણતરીના મિત્રો સાથે ત્યાં સમય ગાળી રહ્યા છે. તેઓ ત્યાં સમાચારથી અંતર જાળવીને યોગ કરતા અને પુસ્તકો વાંચતા રજાઓનો આનંદ લેતા નજરે પડ્યા.