‘તમારા પર શરમ આવે છે, તમે દેશના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો’ : ઓલાન્દેના ખુલાસા બાદ રાહુલના મોદી પર પ્રહાર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસના અધ્યક્ષરાહુલ ગાંધીએ રાફેલ સોદામાં ‘ઓફસેટ ભાગીદાર’ના સંદર્ભમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દના નિવેદનને લઇ શનિવારે પત્રકાર પરિષદ કરીને ફરીવાર પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા બાદ મોદી સરકારમાં સોપો પડી ગયો છે. આ મામલે પીએમ મોદી બોલવા માટે તૈયાર નથી. આ મુદ્દે તેમના કેબીનેટ મંત્રી જવાબ આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ‘‘અમે તો સંપૂર્ણ રીતે માની રહ્યા છીએ કે, વડાપ્રધાન ભ્રષ્ટ છે અને એ વાત દેશના લોકોના મગજમાં બેસી ગઇ છે કે, દેશના ‘ચોકીદાર’ ચોર છે.’’ તેમણે આરોપ લગાવ્યો છે કે, મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ભારતીય સુરક્ષા દળો પર ૧,૩૦,૦૦૦ હજાર કરોડની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરી છે.
કોંગ્રેસના અધ્યક્ષે શનિવારે ટિ્‌વટ કરતા લખ્યું કે, ‘વડાપ્રધાન અને અનિલ અંબાણીએ મળીને ભારતીય સુરક્ષા દળો પર ૧,૩૦,૦૦૦ હજાર કરોડની સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. તેમણે કહ્યું કે, મોદી તમે આપણા શહીદોના લોહીનું અપમાન કર્યું છે. તમને શરમ આવવી જોઇએ. તમે ભારતના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું કે, ‘વડાપ્રધાને બંધ રૂમમાં રાફેલ સોદા અંગે વાતચીત કરીને તેને બદલાવ્યો છે. ફ્રાન્સવા ઓલાન્દેનો આભાર માનું છું કે, હવે અમને ખબર પડી ગઇ છે કે, મોદીએ દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડોલરનો સોદો અપાવ્યો. વડાપ્રધાને ભારત સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આપણા સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે. ફ્રાન્સના મીડિયા અનુસાર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેએ કથિત રીતે કહ્યું છે કે, ભારત સરકારે ૫૮,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ વિમાન સોદામાં ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનના ઓફસેટ ભાગીદાર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કર્યું હતું અને એવા સમયે ફ્રાન્સ પાસે કોઇ વિકલ્પ ન હતો. ફ્રાન્સવા ઓલાન્દેના નિવેદનથી મોદી સરકાર બેકફૂટ પર આવી ગઇ છે. કોંગ્રેસથી લઇ તમામ વિપક્ષે મોદી સરકાર પર આક્રમક પ્રહારો શરૂ કરી દીધા છે.

રાફેલ સોદા અંગે રાહુલ ગાંધી : ‘ફ્રાન્સના
પૂર્વ રાષ્ટ્રપતિ કહે છે પીએમ મોદી ચોર છે’


વડાપ્રધાન મોદી પર ફરીવાર તીક્ષ્ણ પ્રહારો કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બે દિવસની અંદર પીએમને બીજીવાર ચોર ગણાવ્યા છે અને કહ્યું છે કે, ‘‘દેશનો ચોકીદાર હવે ચોર બની ગયો છે.’’ કોંગ્રેસના મુખ્યમથકે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેના રાફેલ સોદા અંગેના નિવેદનને ટાંકતા કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમનો કોઇ નિર્ણય ન હતો. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ કહે છે કે, અનિલ અંબાણીની કંપનીને જે હજારો કરોડોની ભેટ આપી છે તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઇતિહાસમાં કદાચ એવું પ્રથમવાર બન્યું છે કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ આપણા વડાપ્રધાનને ચોર કહ્યા હોય. આપણી એરફોર્સ અને જવાનોના ભવિષ્ય સામે સવાલ ઉભો થઇ ગયો છે. વડાપ્રધાન પર આકરા પ્રહારો કરતા રાહુલે કહ્યું કે, કોંગ્રેસ ચોક્કસપણે માને છે કે, વડાપ્રધાન મોદી ભ્રષ્ટ છે. હું તેમના હોદ્દાની જાળવણી કરવામાં તેમને મદદ કરવાનો પ્રયાસ કરૂ છું. કારણ કે, આ વડાપ્રધાન કચેરીની ગરિમા સામે સવાલ છે. તેમણે ખુલાસો કરવો જ જોઇએ મને આશ્ચર્ચ થાય છે કે, તેઓ હજુ કેમ મૌન છે. તેમના મોઢામાંથી એકપણ શબ્દ બહાર આવતો નથી. આ ફ્રાન્સના રાષ્ટ્રપતિના શબ્દો છે જેમણે પીએમ મોદી સાથે સીધી બેઠક કરી હતી. કોંગ્રેસના સરકાર આવશે તો આ સોદો રદ કરાશે કે કેમ તે અંગે રાહુલે કહ્યું કે, આ કેસમાં મોદીની જેમ કોંગ્રેસ સરકારમાં એક વ્યક્તિ નિર્ણય લેતી નથી. તેના બદલે એક વ્યવસ્થા છે. પીએમના રાજીનામા માગવા અંગે તેઓએ મૌન સેવ્યું હતું.

‘કામદાર’થી ‘દાગદાર’ : પીએમ નરેન્દ્ર મોદી ‘મિ. ક્લિન’ નથી રહ્યા

વડાપ્રધાન મોદી પોતાના કામો આગળ ધરી પોતાને દેશ સમક્ષ કામદાર તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ કરતા રહ્યા છે જેમાં તેઓ વિરોધીઓને કામદાર તરીકે સંબોધે છે. પણ એક જ ખુલાસા બાદ તેઓ હવે મિ. ક્લિન રહ્યા નથી. ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદામાંની સ્વતંત્ર તપાસમાં તેમના નામની સ્પષ્ટતા ના થાય ત્યાં સુધી તેઓ શંકાના વાદળો હેઠળ છે. મહત્વનું એ છે કે, નરેન્દ્ર મોદી પોતાની છબિ ઘણા સમય સુધી ચોખ્ખી રાખી શક્યા છે. તેઓ ૨૦૧૩-૧૪ની ચૂંટણીઓ પહેલા તેઓ લોકોની શંકામાં હતા પણ જ્યારે પીએમ ઇન વેઇટિંગ તરીકે તેમનું નામ આવતા જ તેઓ અદાણી ગ્રૂપના પ્રાઇવેટ પ્લેનની મજા માણવાનું શરૂ કરી દીધું હતું. આ વિમાનોનો તેમણે આશરે ૪૦૦ જેટલી સભાઓ સંબોધવા ઉપયોગ કર્યો હતો. તેઓ રાજધાનીમાં જવા માટે પણ પ્રાઇવેટ જેટને પસંદ કરી હતી. આ સાથે જ અદાણી ગ્રૂપ વડાપ્રધાન મોદી માટે રાજકીય આશા બની ગયો હોવાની પણ શંકાઓ સેવાઇ હતી. વાઇબ્રન્ટ ગુજરાતના વાર્ષિક કાર્યક્રમોમાં પણ અદાણી ગ્રૂપ મોટાપાયે વ્યવસ્થા કરતું રહ્યું છે. જોકે, મોદી અને અદાણી વચ્ચે શું સોદો થયો તે અત્યારસુધી જાહેર થયું નથી. પીએમના વિદેશ પ્રવાસોમાં પણ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે જોવા મળ્યા છે એટલું જ નહીં પણ જ્યાં મોદી રોકાયા ત્યાં તેઓ પણ તેમની સાથે રોકાયા છે તે પ્રોટોકોલ ભંગની પ્રક્રિયા છે. કોલસા ખાણ, પોર્ટ અને અન્ય ઉદ્યોગો સ્થાપવાની મહેચ્છા રાખનારા અદાણી મોદી સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ જોવા મળ્યા હતા. મોદીની સ્ટેટ બેંકના ચેરમેન અરૂંધતી ભટ્ટાચાર્ય સાથેની બેઠકમાં પણ અદાણી સાથે જોવા મળ્યા છે ત્યાં પણ એસબીઆઇના અધિકારીઓના ભવાં ઉંચકાયા હતા. તે સમયે પણ આ ગ્રૂપ સામે મીડિયાના સવાલો ઉભા થયા હતા જેમાં મીડિયા પર કાયદેસરની નોટિસો અને ધમકીઓ પણ મળી હતી. સહારા પેપર્સ કાંડમાં પણ મોદીનું નામ ઉછળ્યું હતું જેમાં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉલ્લેખ હતો પણ સુપ્રીમ કોર્ટમાં તેમનો બચાવ થયો હતો. આ કૌભાંડ ૫૦ કરોડ રૂપિયાનો હતો જેમાં સુપ્રીમે કહ્યું હતું કે, તેમાં ઉચ્ચ હોદ્દા પરની ચોક્કસ વ્યક્તિનું નામ નથી. તેઓએ ગુજરાત કેડરના અધિકારીઓની પીએમઓમાં નિમણૂંક કરી હતી ત્યારે પણ સવાલ થયા હતા જ્યારે આરટીઆઇમાં તેમની ડિગ્રીનો ખુલાસો કરાયો ન હતો જેમાં કમિશનરે પીએમઓનો હવાલો આપ્યો હતો. બરાક ઓબામા સાથે મુલાકાત દરમિયાન ૧૦ લાખના સૂટ પહેરવા માટે પણ તેમની ટીકા થયેલી છે.

મોદી, અંબાણીએ સંયુક્ત રીતે સુરક્ષા દળો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી : રાફેલ મુુદ્દે રાહુલ ગાંધી
રાફેલ મુદ્દાને વધુ સપાટી પર લાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીએ સંયુક્ત રીતે દેશના સુરક્ષા દળો પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરી છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેના ખુલાસા બાદ રાહુલે મોદી પર પ્રહાર વધુ વેગવંતા બનાવ્યા છે જેમાં ઓલાન્દેએ કહ્યું હતું કે, ભારત સરકારે ૫૮,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ વિમાન સોદામાં ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનના ઓફસેટ ભાગીદાર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કર્યું હતું અને એવા સમયે ફ્રાન્સ પાસે કોઇ વિકલ્પ ન હતો. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું કે, પીએમ અને અનિલ અંબાણીએ સંયુક્ત રીતે ભારતીય દળો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. મોદી તમે દેશષના શહીદ સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે. તમે ભારતના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે. એરોસ્પેસ ક્ષેત્રે કોઇપણ અનુભવ નહીં ધરાવતા હોવા છતાં હિન્દુસ્તાન એરોનોટિક્સને બદલે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરવા બદલ રાફેલ સોદા મુદ્દે વિપક્ષ સતત સરકારની ટીકા કરી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks