ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર/પાલનપુર, તા.ર
ઉત્તર ગુજરાતમાં સતત પડી રહેલા સાંબેલાધાર વરસાદને પગલે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો ટ્રેન-વ્યવહાર અને હાઈવે પર પણ અસર થતાં વાહન-વ્યવહાર કલાકો સુધી બંધ થઈ જવા પામ્યો હતો. રેલવે-ટ્રેક ઉપર પાણી ફરી વળતાં રેલવે તંત્રએ ૧પ જેટલી એક્ષપ્રેસ ટ્રેન રદ કરી દીધી હતી જેને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. મુસાફરોની કંઈક અંશે આવી જ સ્થિતિ છાપીથી મહેસાણા સુધીના હાઈવે ઉપર પણ થવા પામી હતી. એટલું જ નહીં રાજસ્થાનના પરિવારની એક દીકરીના લગ્ન પણ ટ્રેન વ્યવહાર બંધ થતાં અટવાઈ જવા પામ્યા હતા.
ગુજરાતના અનેક સ્થળોએ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રેલવે સેવા પણ ખોરવાઈ છે જેના લીધે મુસાફરોની દયનીય હાલત થઇ ગઈ હતી ગત રાતે સાડા નવ વાગ્યા પછી ટ્રેન સેવા બંધ થવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ઉત્તરગુજરાતમાં ભારે વરસાદના લીધે પાલનપુર અને મહેસાણા વચ્ચેના રેલવે ટ્રેક વરસાદી પાણી ધોવાઈ જવાના લીધે રેલવે વિભાગે ૧૫ જેટલી એક્સપ્રેસ ટ્રેન ને રદ કરી દીધી હતી તેનીવાડા નજીક રેલવેના પાટા વરસાદી પાણી થી ધોવાઈ જતા રાત્રે ૯ વાગે અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સપ્રેસને ધારીવાડા પર રોકવામાં આવી હતી જેથી આખી રાત રેલવે મુસાફરોએ ટ્રેનમાં વીતાવી હતી તંત્ર તરફથી કોઈ મદદ ના કરાતા આખરે સ્થાનિક લોકો દ્વારા મુસાફરો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે રેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરતા આજે ૧૧ વાગ્યા સુધીમાં ટ્રેન સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી જો કે કલાકો સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેતા મુસાફરો અટવાઈ ગયા હતા. જેથી મુસાફરો એ પોતાનો રોષ ઠાલવ્યો હતો. રેલવેમાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલી જયોતિ નામની યુવતીના આવતીકાલે લગ્ન હોવાથી તેના પરિવારમાં જોરશોરથી તૈયારી ચાલી રહી હતી પોતાના માદરે વતન જતી યુવતી અને તેના પરિવાર પણ ટ્રેનમાં ફસાઈ ગયા હતા. આજે તેની સામાજિક લગ્નવિધિમાં આખું પરિવાર રેલવે સેવા ખોરવાઈ જવાના લીધે સમયસર વતનમાં પહોંચી ન શકતા પોતાનું દુઃખ વ્યકત કર્યું હતું. ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક પાણીમાં ધોવાઈ જવાના લીધે અજમેર-અમદાવાદ, અમદાવાદ-અજમેર, આબુરોડ અમદાવાદ, જયપુર-અમદાવાદ તેમજ અમદાવાદ-જોધપુર રેલવે સેવા સહિત ૧૫ જેટલી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વરસાદી પાણીમાં ધોવાઈ ગયેલા રેલવે ટ્રેકનું નિરિક્ષણ કર્યા બાદ આજે વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે છાપી-સિદ્ધપુર હાઈવેથી લઈને મહેસાણા સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં હાઈ-વે કલાકો સુધી બંધ રહ્યો હતો. જેને કારણે વાહનોની કતારો લાગવા સાથે મુસાફરો અટવાઈ પડ્યા હતા.