રેલમંત્રી પિયુષ ગોયલની અણધારી મુલાકાત સમયે રેલવે સ્ટેશન પર અનેક ક્ષતિઓ સામે આવી

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.રર
સામાન્ય વ્યક્તિ તંત્રની બોગસ કામગીરી વિશે વારંવાર રજૂઆતો કરે છતાં કોઈ સાંભળતું નથી પણ જ્યારે આ તંત્રની પોલ કોઈ મંત્રી સામે ખુલી પડી જાય તો તંત્રની બોલતી બંધ થઈ જાય છે. સુરત રેલવે સ્ટેશને આવી જ ઘટના સામે આવી હતી. આજે સુરત રેલવે સ્ટેશને રેલમંત્રી પિયુષ ગોયલની અણધારી મુલાકાતથી રેલવેની કાગળ ઉપર દેખાતી કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. સફાઈના નામે ઉતારાની વેઠ રેલ મંત્રીની નજરમાં આવી હતી. અરે ત્યાં સુધી કે રેલમંત્રીના એક્સીલેટરના ઉપયોગ ટાણે જ એક્સીલેટર બંધ થઈ ગયું હતું. રેલમંત્રી પિયુષ ગોયલે અધિકારીઓને આડેહાથ લીધા હતા. વડોદરાથી વારાણસી વચ્ચે નવી મહામના ટ્રેનનાં વડોદરા રેલવે સ્ટેશન પર લોકાર્પણ કરવા જનારા રેલવેમંત્રી પિયુષ ગોયલ અચાનક જ સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રેલવેમંત્રી પિયુષ ગોયલે આજે સવારે ૧૦.૦૦ વાગ્યે સુરત એરપોર્ટ પર આવ્યા બાદ તેઓએ વડોદરા જવાને બદલે પહેલાં સુરત રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા. તેઓએ સુરત રેલવે સ્ટેશન ખાતે મુલાકાત કરી પ્લેટફોર્મ નં.૪ પર જ્યાં સાંજે કાર્યક્રમ થવાનો છે ત્યાં તપાસ કરી હતી. બાદમાં તેઓએ પ્લેટફોર્મ નં.૧ પર આવી પ્લેટફોર્મ પરની તપાસ કરી હતી. ત્યારબાદ રેલવે મંત્રી પિયુષ ગોયલ જનરલ ટોયલેટની પણ મુલાકાત લીધી હતી. રેલવેમંત્રીની મુલાકાત માટે રેલવે તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાથી ઉપર રેલવે મંત્રી પિયુષ ગોયલ જતાં રેલવેની મોટાભાગની ક્ષતિઓ આંખે ઊડીને વળગી હતી. રેલવેમંત્રીની વિઝીટ વેળાએ મુંબઈ ડિવિઝનના ડીઆરએમ મુકુલ જૈનની બેદરકારી બહાર આવી હતી. કાયમ જ મુંબઈ એસી ઓફિસમાં બેસી રહેતાં ડીઆરએમને ખુદ સુરત રેલવે સ્ટેશનનું પ્રેઝન્ટેશન આપતા હાંફી ગયા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલે અચાનક સુરત રેલવે સ્ટેશનની ઉડતી મુલાકાત વેળાએ જ રેલવે તંત્રની પોલ ઉઘાડી પડી હતી. રેલવે મંત્રીને સુરતનું નવું મોર્ડન રેલવે સ્ટેશનનું પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. આર્કિટેક સંજય જેશી દ્વારા કરાયેલા પ્રેઝન્ટેશન બાબતે પણ રેલવેમંત્રીએ કેટલાક સૂચનો કર્યા હતા અને સુરતના નવા મોર્ડન રેલવે સ્ટેશન પ્રોજેક્ટથી નાખુશ જણાયા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલ વડોદરા રેલવે સ્ટેશનથી નવી મહામના ટ્રેનને લીલી ઝંડી આપી તેઓ ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન પર આવ્યા હતા. જ્યાં રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હા પણ સુરત રેલવે સ્ટેશન પર મહામના ટ્રેનને લીલી ઝંડી આપશે. આ રેલવે મંત્રીની સાથે સાથે સાંસદ સી.આર. પાટીલ, ડીઆરએમ મુકુલ જૈન સહિતના રેલવેના મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks