અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : અનેક વૃક્ષો ભોંયભેગા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮

રાજ્યમાં એકતરફ ગરમી હાહાકાર મચાવી રહી છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ હતી. ગતરોજ પણ રાજકોટ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ આજરોજ પણ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા કૃષ્ણગઢમમાં તેમજ લીલીયા શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને લીધે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. અમરેલી શહેરમાં પણ બપોર બાદ વાદળો બંધાતા ધીમી ગતિએ પવન ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો. અમરેલી પંથકમાં તોફાની પવન સાથે વરસાદ થયો હતો. કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ડુંગળી અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ આગામી ચારેક દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.  જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં કોઈ વધારે ફેરફાર જોવા મળશે નહીં. બીજી બાજુ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પારો ૪૩ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ સાંજે ધૂળ ભરેલી આંધી સાથે ભારે પવન ફૂંકાયા હતા. હવામાનમાં એકાએક પલ્ટો વારંવાર હાલમાં જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં હાલ ગરમીમાં રાહતના કોઈ અણસાર નથી તાપમાન અચાનક વધી શકે છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts