(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
રાજસ્થાનના રામગઢ વિધાનસભા મતવિસ્તારમાં સોમવારે યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રસનો વિજય થતા અશોક ગેહલોત સરકારને ભારે પ્રોત્સાહન મળ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર શાફિયા ઝુબૈર ખાને તેમના નિકટના હરીફ અને ભાજપના ઉમેદવાર સુખવંતસિંહને ૧૨,૨૨૮ મતથી પરાજય આપ્યો છે. શાફિયા ઝુબૈર ખાનને કુલ ૮૩,૩૧૧ મત અને સુખવંતસિંહને ૭૧,૦૮૩ મત મળ્યા છે. રામગઢની પેટા ચૂંટણીમાં વિજય સાથે રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધીને ૧૦૦ થઇ ગઇ છે. જ્યારે પાડોશી રાજ્ય હરિયાણામાં જિંદ વિધાનસભા મતવિસ્તારની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણલાલ મિડ્ઢાનો વિજય થયો છે.
રામગઢની પેટાચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું કે હું ખુશ છું કે લોકોએ સારૂં પગલું ભર્યું છે. લોકોએ યોગ્ય નિર્ણય લીધો છે. હું તેમનો આભાર માનું છું. કોંગ્રેસને જરૂર છે ત્યારે રાજસ્થાનના મતદારોએ એક સંદેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણીઓ પહેલા રામગઢના પરિણામથી પક્ષને પ્રોત્સાહન મળશે. દરમિયાન, હરિયાણાના જિંદમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર કૃષ્ણલાલ મિડ્ઢાએ ૧૨,૯૩૫ મતથી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને પરાજય આપ્યો છે. ભાજપના ઉમેદવાર કૃષ્ણલાલ મિડ્ઢાને ૫૦,૫૬૬ મત જ્યારે જેજેપીના ઉમેદવારને ૩૭,૬૩૧ મત મળ્યા છે. કોંગ્રેસ ત્રીજા ક્રમે ફેંકાઇ ગઇ છે. જિંદમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢાએ જનનાયક પાર્ટીના ઉમેદવાર દિગ્વિજયસિંહ ચૌટાલા અને કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાને પરાજિત કર્યા છે. રણદીપ સુરજેવાલાને માત્ર ૨૨,૭૪૦ મત મળ્યા છે.