(એજન્સી) જયપુર, તા.૧૧
રાજસ્થાનમાં દસ હજારથી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જેને કારણે પાછલા પાંચ દિવસમાં રપથી વધુ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. મરણપથારી પર પડેલ દર્દીઓ માટે કોઈ રાહતના સમાચાર નથી. રાજસ્થાન સરકાર હવે હડતાળ પર ઉતરેલ ડોક્ટરો પ્રત્યેક કડક બની છે. પ્રદેશમાં રેસ્મા લાગુ કર્યાને ર૪ કલાક દરમ્યાન ૧રથી વધુ તબીબોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના ભયથી મોટાભાગના ચિકિત્સક નેતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
સૈના અને રેલવેના તબીબો ઉપરાંત સેવાનિવૃત્ત ચિકિત્સકોની પણ સેવા લેવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્ય સાત મેડિકલ કોલેજોના રેસિડેન્ટ ડોક્ટરોના હડતાળ પર જવાને કારણે દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં જયપુર, જોધપુર, કોટા, અજમેર અને ઉદયપુર જેવી મુખ્ય કોલેજોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સેવારત ચિકિત્સક સંઘના ૧૦ હજારથી વધુ તબીબ પોતાની વિભિન્ન માગણીઓને પગલે હડતાળ પર ઉતર્યા છે. દરમ્યાન સરકાર સાથે થયેલ ચર્ચા-વિચારણામાં અસફળ રહ્યા બાદ સરકારે હવે હડતાળી ડોક્ટર પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે.
શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ જારી કરી જેમાં ડોક્ટરોને કાર્ય પર પાછા બોલાવવા જણાવાયું છે અને કોર્ટે સરકાર પાસે હડતાળી ડોક્ટર્સના નામની યાદી મંગાવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી કાલીચરણ શરાફએ આ હડતાળને રાજનૈતિક ષડયંત્ર ગણાવતા કહ્યું કે, ચિકિત્સક નેતાઓ પર આક્ષેપ લગાવી રહ્યા છે સાથે જ શરાફએ કહ્યું કે કોઈપણ ચિકિત્સકે રાજીનામું આપ્યું નથી. તેઓ ખોટા નિવેદનો આપી રહ્યા છે.